Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રાજકોટની સૌની યોજનાની પાઇપ લાઇનો ઉખડી ગઇઃ કોન્ટ્રાકટરને નોટીસ

ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં ખોખડદડ, અભેપર, ચીભડામાં પાઇપ લાઇનો જમીનમાંથી બહાર નીકળી ગઇ

રાજકોટ તા. ૧રઃ શહેર ત્થા આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રાજકોટનાં આજી ડેમમાં નર્મદાનીર ઠાલવવા માટે નાંખવામાં આવેલ સૌની યોજનાની પાઇપ લાઇન જમીનમાંથી ઉખડી જતાં તંત્ર વાહકોમાં દોડધામ મચી ગયેલ અને આ બાબતે પાઇપ લાઇન નાખનાર કોન્ટ્રાકટરને તેનાં ખર્ચે ૭ દિવસમાં પાઇપ લાઇન રિપેર કરવા નોટીસ ફટકારાઇ છે.

આ અંગે સૌની યોજનાનો રાજકોટનો હવાલો સંભાળતાં ઇજનેર પ્રફુલ્લભાઇ પોપટે જણાવ્યું હતું કે, હાલમાં સૌની યોજના બંધ હોઇ પાઇપ લાઇનો ખાલી હોવાથી ભારે વરસાદની સ્થિતિમાં ખેતરોનું ધોવાણ થઇ જતાં ખોખડદળ, અભેપર, ચીભડા વગેરે ગામોનાં ખેતરોમાંથી પસાર થતી સૌની યોજનાની પાઇપલાઇનો જમીનમાંથી ઉખડીને બહાર નિકળી ગઇ હતી.

જોકે આ પાઇપ લાઇનનો કોન્ટ્રાકટ ૧૦ વર્ષનાં મેઇન્ટેનન્સ સાથે અપાયો હોઇ આ પાઇપ લાઇનનું સમારકામ કોન્ટ્રાકટરનાં ખર્ચે ૭ દિવસમાં કરી નાંખવા-કોન્ટ્રાકટરને નોટીસ અપાયેલ છે. તેમ ઇજનેરશ્રીએ આ તકે જણાવ્યું હતું.

(3:45 pm IST)