Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

આજી વસાહતમાં બેંક ઓફ બરોડાનું શટર સળગાવનારો હરેશ ઉર્ફ ઢફો જેલ ભેગો

થોરાળા પોલીસે ફૂટેજને આધારે ઓળખી લઇ શોધી કાઢ્યોઃ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવણીઃ રકમ જમા કરાવી છતાં બેલેન્સ બતાવતું ન હોઇ ગુસ્સો ચડતાં આગ લગાડયાની કબુલાત!

રાજકોટ તા. ૧૨: શહેરના આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફિલ્ડ માર્શલ પાસે આવેલી બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખાના શટરને એક શખ્સે પેટ્રોલ છાંટી સળગાવતાં શટરમાં ૧૫ હજારનું નુકસાન કરનારા નવા થોરાળા-૧માં રહેતાં અને અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા હરેશ ઉર્ફ ઢફો અશોકભાઇ ખિમસુરીયા (ઉ.૨૯)ને થોરાળા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે દબોચી લઇ આકરી પુછતાછ કરી હતી. તેને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટએ જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂવારે સાંજના સવા આઠ વાગ્યા પછી આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફિલ્ડ માર્શલ કારખાના પાસે આવેલી બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખાના શટરમાં આગથી નુકસાન થયાનું બીજા દિવસે સવારે મેનેજરને જાણવા મળતાં સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શખ્સ આગ લગાડતો જોવા મળતાં પોલીસને જાણ કરી હતી.

થોરાળા પોલીસે સદર બજાર નૂતન પ્રેસ રોડ પર જેનીશ હોટેલ રૂમ નં. ૨૦૨માં રહેતાં મુળ પટણા બિહારના થાના ગરદની બાગ જુનજુન મહેલ રોડ પર રહેતાં અને બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતાં પંકજકુમાર પ્રેમકુમાર સિન્હા (ઉ.૩૭)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૪૩૬, પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ ૩, ૭ મુજબ ગુનો નોંધ્યો હતો.

સીસીટીવી ફૂટેજને આધારે ઢફાને પોલીસ ઓળખી ગઇ હતી. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરી હેઠળ પી.આઇ. બી.ટી. વાઢીયા અને ટીમના પીએસઆઇ જે. જી. ચોૈધરી, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, નરસંગભાઇ, વિજયભાઇ, દિપકભાઇ, રોહિતભાઇ, વિક્રમભાઇ, આશિષભાઇ, અજીતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર, કેલ્વીન સાગર સહિતે તપાસ કરી ઢફાને દબોચી લીધો હતો. તેણે એવું કહ્યું હતું કે પોતે સાત હજાર જમા કરાવ્યા હતાં છતાં બેલેન્સ બતાવતી ન હોઇ ગુસ્સો ચડતાં બેંકનું શટર સળગાવ્યું હતું.

(1:27 pm IST)