Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રેલ્વે ખાનગીકરણના વિરોધમાં ધરણા પ્રદર્શન

ખાનગીકરણ-નિગમીકરણ કોઈ કાળે નહી થવા દેવા હિરેન મહેતાનો ધ્રુજારોઃ જરૂર પડયે રેલરોકોની ચીમકી

રાજકોટઃ. હીરેન મહેતા (ડીવીઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ)ની યાદી મુજબ એનએફઆઈઆર/ડબલ્યુઆરએમએસના આહવાન પર સમગ્ર ભારત દેશના પ્રવાસનમાં રેલ કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. આ ધરણા પ્રદર્શન મુખ્યત્વે ખાનગીકરણ અને નિગમીકરણના સરકારના નિર્ણય વિરૂદ્ધ કરવામાં આવી રહ્યુ છે. રેલ્વેએ રાષ્ટ્રની જીવન રેખા છે અને રાષ્ટ્રની સંપત્તિ છે જે પબ્લીક સેકટર દ્ેવારા નહી નફો નહી નુકશાનના ધોરણે મીનીમમ રેલભાડા અને વિવિધ સુવિધાઓ સાથે સર્વિસ આપતુ એશીયાનું સૌથી મોટુ રેલ નેટવર્ક છે.

જેમાં કાર્ય કરનારા કર્મચારીઓ ઘણી બધી વેકેન્સીઓ હોવા છતા સુચારૂ રૂપે રેગ્યુલરલી જીમ્મેદારીપૂર્વક રેલ ચલાવે છે. યુવાનો માટે રોજગારીની તક આપનાર એક સૌથી મોટુ પ્રશાસન છે.

એવા કોઈ જ સંજોગો નથી કે રેલ્વેનું ખાનગીકરણ કરવુ પડે ત્યારે સરકાર દ્વારા લેવાયેલ આ ખાનગીકરણ, નિગમીકરણનો રેલ કર્મચારીઓ સંપૂર્ણપણે વિરોધ કરે છે, કેમ કે જો ખાનગીકરણ કરવામાં આવે તો કર્મચારીઓની કાર્યનીતિના નિયમો, ભથ્થાઓ, સુવિધાઓ, સુરક્ષા અને કલ્યાણ પ્રવૃતિઓ પ્રતિબંધિત કરીને રેલ કર્મચારીઓનું શોષણ કરવામાં આવશે. આવનાર યુવા પેઢીનું ભવિષ્ય જોખમાશે. ખાનગી કંપનીઓ જ્યારે નફા માટે જ રેલ્વે ચલાવશે ત્યારે કોઈપણ સેફટી કે અકસ્માત માટેની જવાબદારી લેનાર કોઈ જ નહી રહે. રેલભાડાઓ અને અપાતી સુવિધાઓના ભાડે, ટેક્ષ ખૂબ મોટા પ્રમાણમાં વસુલવામાં આવશે.

આજે રેલ્વે દ્વારા સામાન્ય જનતા જે નજીવા ભાડામાં ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે તેઓ માટે આવનારા સમયમાં મોંઘા થવાની પુરી શકયતા રહેશે.

રેલ્વેની સીસ્ટમ અને નેટવર્ક ખૂબ જ જવાબદારીપૂર્વક, ખંતથી અને સુરક્ષાપૂર્વક ચલાવવામાં આવે છે તે નિષ્ઠા અને નૈતિકતાઓનું ધોરણ નીચુ જશે.

એનએફઆઈઆર દ્વારા ન્યુ પેન્શન સ્કીમ માટેની લડાઈ ચાલુ છે ત્યારે વધુ એક અવિચારી અને ખોટા નિર્ણય સામે લડત આદરાઈ છે. જેમાં સામાન્ય જનતા, રેલ કર્મચારીઓ અને રાષ્ટ્રહિત વિરૂદ્ધના નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો છે. જરૂર પડશે તો એનએફઆઈઆર ફેડરેશનના આહવાન પર રેલરોકો સુધીનું આંદોલન પણ કરાશે તે અંતમાં રેલ્વે મઝદુર સંઘના હીરેન મહેતાએ જણાવ્યુ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ વિરોધ પ્રદર્શનમાં કેતન જાની, જસ્મીન ઓઝા, કેતન ભટ્ટી, ગભરૂભાઈ, મયુરસિંહ, પી.સી. જાની, મુન્નાભાઈ, વિવેકાનંદ, સંજયભાઈ, જયેશભાઈ ડોડીયા, અવની ઓઝા, દક્ષાબેન, જયશ્રીબેન, પુષ્પાબેન, નિતાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)