Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

આનંદનગર કવાર્ટરમાંથી સન્ની ઉર્ફ ભુરો ગાંગાણી ૫૭ બોટલ દારૂ સાથે પકડાયો

રાજારામનો ધવલ ૧૧ બોટલ સાથે ઝપટેઃ દેવરાજનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૧૨: કોઠારીયા રોડ આનંદનગર કવાર્ટર અજન્તા પાર્ક બ્લોક નં. ૦-૯૦ બીજા માળે રહેતાં સન્ની ઉર્ફ ભુરો અમૃતલાલ ગાંગાણી (ઉ.૨૪) નામના કડીયા શખ્સને પોલીસે તેના ઘરમાંથી રૂ. ૨૮૫૦૦ના ૫૭ બોટલ દારૂ સાથે ઝડપી લીધો છે.

ભકિતનગર ડી. સ્ટાફના કોન્સ. ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા અને હેડકોન્સ. વિક્રમભાઇ ગમારાની બાતમીને આધારે દરોડો પાડવામાં આવતાં ઘરમાંથી રોયલ ચેલેન્જ અને પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળતાં સન્નીની ધરપકડ કરવામાં આવી હતી. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડની સુચના અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, મહેન્દ્રસિંહ ડોડીયા, રણજીતસિંહ પઢારીયા, હિરેનભાઇ પરમાર, સલિમભાઇ મકરાણી, પ્રતાપસિંહ રાણા, દિવ્યરાજસિંહ ઝાલા અને મનિષભાઇ શિરોડીયા તથા બાતમી મળી તે ત્રણેય કર્મચારીઓએ આ દરોડો પાડ્યો હતો.

જ્યારે થોરાળા પોલીસે સામા કાંઠે રાજારામ સોસાયટી-૧ના ખુણા પાસે રહેતાં ધવલ શૈલેષભાઇ સદાવ્રતી (ઉ.૧૯)ને તેના ઘરમાંથી રૂ. ૪૪૦૦ના ૧૧ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ દારૂ તે આંબાવાડી-૧ યાર્ડ પાસે રહેતાં દેવરાજ રસિકભાઇ ગોવાણી પાસેથી લાવ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પી.આઇ. બી. ટી. વાઢીયાની રાહબરીમાં એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, નરસંગભાઇ, આશિષભાઇ, વિજયભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ગુંદાવાડીનો મનિષ ટોપીયા નવાગામમાં પીધેલો પકડાયો

નવાગામ દેવનગર ઢોળા પાસેથી મનિષ ખોડાભાઇ ટોપીયા (ઉ.૩૪) (રહે. ગુંદાવાડી) દારૂ પી નીકળતાં કુવાડવાના કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા અને બુટાભાઇ ભરવાડે પકડી લીધો હતો.

દારૂ પી બાઇક હંકારતો બેડલાનો એભલ પકડાયો

બેડલા ગામે રહેતો એભલ સુરેશભાઇ રાઠોડ (ઉ.૩૦) દારૂ પી જીજે૩ઇડી-૭૬૦૯ નંબરનું બાઇક હંકારી મવડી રીંગ રોડ મહાપૂજા ધામ ચોકમાંથી નીકળતાં માલવીયાનગરના કોન્સ. ભાગ્યેશ પરમારે પકડી લીધો હતો.

(3:22 pm IST)