Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકને હોર્ન ન સંભળાતાં આડે ઉતર્યો...આયશર ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માતઃ આયશર અને ડમ્પર વચ્ચે દબાતા કારનો બૂકડોઃ બે વ્યકિતનો નજીવી ઇજા સાથે બચાવ

રાજકોટઃ ચોક્કસપણે હેલ્મેટ વાહનચાલકનું રક્ષણ કરે જ છે અને શહેરના વાહનચાલકો હેલ્મેટ પહેરતા થાય તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ સતત મહિનાઓથી દંડની ઝુંબેશ પણ ચલાવી રહી છે. પણ અમુક જાણકારો કહે છે કે શહેરના રસ્તાઓ પર હેલ્મેટ પહેરવાની જરૂર નથી હોતી, તે પાછળ અનેક તર્કબધ્ધ કારણો પણ રજૂ કરતાં હોય છે. પરંતુ કાયદા સામે આવા તર્ક ચાલતાં હોતા નથી. બીજી તરફ આજે એક હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકને કારણે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે!...કુવાડવા રોડ જુના પોલીસ સ્ટેશન સામે અકસ્માતમાં કારનો આગળ પાછળના ભાગેથી બૂકડો બોલી ગયો હતો. કારમાં છ વ્યકિત બેઠી હતી. તેમાંથી બે વ્યકિતને નજીવી ઇજા થઇ હતી. બાકીના તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત નજરે જોનારના કહેવા મુજબ હેલ્મેટ પહેરલો એક બાઇક રોડ ક્રોસ કરી રહ્યો હતો, પાછળ આયશર હોવાથી તે કદાચ અજાણ હતો અથવા તો તેને આયશર દેખાતું નહોતું. તે વચ્ચે આવશે તેવું લાગતાં આયશરના ચાલકે ગતિ ધીમી કરી નાંખી હતી અને ખુબ હોર્ન વગાડ્યા હતાં. પરંતુ ચાલકને હોર્ન ન સંભળાતા કે પછી કંઇપણ બન્યું હોઇ તે આયશરની આગળ અચાનક આવી ગયો હતો. જેથી આયશરના ચાલકે તેને બચાવવા જોરદાર બ્રેક લગાવી હતી. આ કારણે પાછળ કાર અથડાઇ હતી અને કારની પાછળ ડમ્પર અથડાતાં કારમાં આગળ-પાછળ બંને તરફ ભારે નુકસાન થયું હતું. જેના કારણે થોડીવાર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો અને ટ્રાફિક જામ જોઇ શકાય છે.

(3:21 pm IST)