Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

બહુચર્ચિત પિયુષ ઠક્કર હત્યા કેસમાં આશિષ નંદાની સજા કાયમ રાખતી સુપ્રિમ કોર્ટ

રાજકોટની સેશન્સ કોર્ટે આશિષ નંદા અને સલીમ સલોને આજીવન કેદ ફટકારી હતીઃ અપીલમાં હાઇકોર્ટે સલીમને છોડી મુકેલઃ સને ર૦૦૬ ની સાલમાં યુવતિની લાલચ આપી પિયુષ ઠક્કરનું અપહરણ કરી હત્યા કરી જસદણના હિંગોળગઢના જંગમાં લાશ સળગાવી દીધી હતીઃ હાઇકોર્ટના ચુકાદા સામેની અપીલ સુપ્રિમ ફગાવી દેતા આશિષ નંદાની સજા કાયમ રહી...

રાજકોટ તા. ૧ર :.. આજથી પંદરેક વર્ષ પહેલા રાજકોટના ઇમિટેશનના વેપારીનાા પુત્ર પિયુષ ઠક્કરનું અપહરણ કરી તેની ખંડણી માટે હત્યા કરી જસદણ નજીકનાં હિંગોળગઢના જંગલમાં મારી નાખી લાશને સળગાવી દેવાના બહુચર્ચિત કેસમાં આશિષ કપિલભાઇ નંદાને થયેલ આજીવન કેદની સજાના હુકમને ગુજરાત હાઇકોર્ટ કાયમ રાખ્યા બાદ સુપ્રિમ કોર્ટમાં આરોપીએ કરેલ અપીલને સુપ્રિમ કોર્ટે ફગાવી દેતા આરોપી આશિષ નંદાને થયેલ આજીવન કેદની સજા માન્ય રહેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, યુવતીને લાલચ આપી પિયુષનું અપહરણ કરાયું હતું. આ કેસ ચાલતા દરમ્યાન આરોપી નરેશ ઉર્ફે સરપનું એન્કાઉન્ટર પણ થયું હતું. રાજકોટની સેશન્સ કોર્ટે આરોપી આશિષ નંદા ઉપરાંત સલીમ સલાને આજીવન કેદની સજા કરી હતી. બાદમાં અપીલ થતાં સલીમને હાઇકોર્ટે છોડી મુકતા આરોપી આશિષ નંદાએ સુપ્રિમમાં અપીલ કરી હતી.

આ કેસની હકિકત એવી છે કે, રાજકોટના ઇમીટેશનના વેપારી જલારામ ભાઇના પુત્ર પીયુષનું તા. ૧૪-૭-૦૬ ના રોજ અપહરણ કરવામાં આવેલ અને ત્યારબાદ તેનું તા. ૧૬-૭-૦૬ ના રોજ જસદણ તાલુકાના હીંગોળગઢ જંગલમાં છરીના ઘા મારી તેમજ પેટ્રોલ છાંટી સળગાવી હત્યા કરી નાખેલ. જેમાં કુલ એક સ્ત્રી આરોપી સહિત આઠ વ્યકિતઓની ધરપકડ થયેલ અને એક વ્યકિતનું પોલીસ એન્કાઉન્ટમાં મૃત્યુ થયેલ. જેનો કેસ રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી ગયેલ અને તેમાં અરોપી આશિષ કપિલ નંદા તથા સલીમને સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની  સજા કરેલ જયારે અન્યને નિર્દોષ છોડી મુકેલ હતો.

પોલીસે એ મુકેલ ચાર્જશીટ મુજબનો કેસ એવો છે કે, આશિષ કપિલભાઇ નંદા, રહે. જામનગર તે અગાઉ આ કામના ફરીયાદી જલારામભાઇ ઠકકરને ત્યાં ભાડે દુકાન રાખી ધંધો કરતો હતો, જે દુકાન બંધ કરી જામનગર પરત જતો રહેલ અને તહોમતદાર આશિષ કપિલભાઇ નંદાની પૈસાની જરૂરીયાત હોય, જેથી સૌ પ્રથમ જામનગર ખાતે પોતે તથા નરેશ ઉર્ફે સરપ તથા જીજ્ઞેશભાઇ દસાડીયા તથા રવિ નંદા ભેગા થઇ અને અપહરણ તથા ખંડણી માટેનો પ્લાન ઘડેલ અને ત્યારબાદ તેના માટે ઇન્ડીકા ભાડે રાખેલ અને જામનગરથી તા. ૧૦-૭-૬ ના રોજ રાજકોટ મુકામે આવેલ. જયાં તેમને બોગસ દસ્તાવેજોના આધારે સીમ કાર્ડ ખરીદ કરેલ અને ત્યારબાદ વિરપુર મુકામે જઇ ચાર છરીઓ ખરીદ કરેલ અને પરત રાજકોટ આવી સાંજના સમયે બીજા  તહોમતદારો ભેગા થઇને ભોગ બનનાર પિયુષને એસ. ટી. ડી. પી. સી. માંથી ફોન કરી બોલાવેલ. પરંતુ કોઇપણ કારણોસર આ દિવસે ભોગ બનનાર પિયુષનું અપહરણ થઇ શકેલ નહીં.

ત્યારબાદ તહોમતદારો આશિષ કપિલભાઇ નંદા તથા નરેશ ઉર્ફે સરપ તથા મહેન્દ્રસિંહએ સાણંદ મુકામે ભેગા થઇ અપહરણ બાબતેની ચર્ચા કરેલ. ત્યારબાદ આશિષ નંદા તથા નરેશ ઉર્ફે સરપ જામનગર પરત આવેલ અને આશિષ નંદાએ પેન્ટર પાસેથી ગાડીની બોગસ નંબર પ્લેટો બનાવેલ. ત્યારબાદ તા. ૧૪-૭-૬ ના રોજ આશિષ નંદા તથા નરેશ ઉર્ફે સરપ તથા સલીમ ઉર્ફે સલો જામનગરથી રાજકોટ આવેલ અને દિપ્તીબેનને રાજકોટ બોલાવવામાં આવેલ. ત્યારબાદ આ ચારેય રાજકોટ - લીમડા ચોકમાં ભેગા થઇ અને ત્યાંથી બોગસ દસ્તાવેજોના આધારે ખરીદ કરેલ સીમ કાર્ડમાંથી ભોગ બનનાર પિયુષને પ્રથમ એસ. એમ. એસ. કરેલ, જેના પ્રત્યુતરમાં ભોગ બનનારે ફોન કરેલ અને સામે સ્ત્રી બોલતી હતી અને તેને મળવા માટે શાસ્ત્રી મેદાન બોલાવેલ, જેથી ભોગ બનનાર સ્ત્રીની લાલચમાં શાસ્ત્રી મેદાન-લીમડા ચોક પાસે ગયેલ અને ત્યાંથી છરીની અણીએ ભોગ બનનાર પિયુષનું અપહરણ કરેલ. અપહરણ બાદ તેમના પિતાશ્રી જલારામભાઇને ધમકીનો ફોન કરેલ. ભોગ બનનારને રાજકોટમાંથી અપહરણ થયા બાદ દડીયા ગામની અવાવરૂ ઓરડીમાં ગોંધી રાખેલ.

આમ કુલ ફરીયાદ પક્ષ દ્વારા ૧૮૩ સાહેદોને તપાસેલ અને આ ઉપરાંત ૩૦૦થી પણ વધુ દસ્તાવેજી પુરાવાઓ ઉપર જેમાં પંચનામાઓ, મોબાઇલ કોલ ડીટેઇલ ચાર્ટો તથા એફ.એસ.એલ. રીપોર્ટ, ડી.એન.એ. રીપોર્ટ વિગેરે ઉપર આધાર રાખેલ હતો. તેમજ સ્પે. પી.પી. તથા મુળ ફરીયાદી તરફે તથા તહોમતદારો તરફે ઉડાણપૂર્વકની દલીલ થયેલ છે. જેમાં જે તે વખતે રાજકોટના એડી. સેશન્સ જજશ્રીએ પોતાનો આખરી ચુકાદો આપેલ અને તેમાં આશિષ કપિલભાઇ નંદા તથા સલીમ સલોને આજીવન કારાવાસની સજા ફરમાવેલ.

જેમાં તહોમતદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સજાને ચેલેન્જ કરેલ જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આશિષ કપિલભાઇ નંદા તથા સલિમ સલોને આજીવન કારાવાસની સજા ફરમાવેલ.

જેમાં તહોમતદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સજાને ચેલેન્જ કરેલ જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આશિષ કપિલભાઇ નંદાની સજાને કન્ફર્મ કરેલ હતી.

આ સામે આરોપી આશિષ કપિલભાઇ નંદાએ પોતાની સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે સજા કરવામાં આવેલ તેની સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી જેમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અરૂણ મિશ્રા તથા નવીન સિન્હાની બેન્ચ દ્વારા આરોપીની અપીલ રદ કરવાનો હુકમ કરેલ છે.

આમ, આરોપી આશિષ કપિલભાઇ નંદાને થયેલ સજા સુપ્રિમ કોર્ટ સુધી માન્ય કરવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદપક્ષે સ્વ. શ્રી સ્પે. પી.પી. શ્રી મોહનભાઇ સાયાણી તથા મુળ ફરીયાદ પક્ષના એડવોકેટ તરીકે નિતેશ કથીરીયા રોકાયેલા હતાં. 

(3:20 pm IST)
  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • ત્રિપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સત્તામાં રહેલ ભાજપની બંપર જીત:. પાર્ટીનાં 83 ટકા ઉમેદવાર બિનહરીફ ચુંટાયા: સીપીઆઇએમ અને કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓનાં મોટાભાગની સીટો પર પોતાનાં ઉમેદવારો હટાવી લીધા. :ચૂંટણીમાં ગોટાળા અને હિંસાનો લગાવ્યો આરોપ access_time 1:00 am IST