Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલ આરોપીનો છુટકારો

રાજકોટ તા. ૧રઃ રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે વર્ષ-ર૦૧૭ માં પોલીસના પેટ્રોલીંગ દરમ્યાન આરોપી પ્રદિપસિંહ ઉદયભાણસિંહ સિકરાવ ઉપર પોલીસને શંકા જતા પોલીસે તેમને રોકી તપાસ કરતા દારૂ પીધેલી હાલતમાં હોય, જેથી પોલીસે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લઇ જઇ ગુજરાત પ્રોહીબીશન એકટની કલમ-૬૬(૧)બી, ૮પ(૧)(૩) મુજબ ગુનો નોંધી નામદાર કોર્ટમાં ચાર્જચીટ ફાઇલ કરેલ, જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રદિપસિંહ ઉદયભાણસિંહ સિકરાવને રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ નિર્દોષ છોડી મુકતો કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, તા. ૦ર/૦૪/૧૭ના રોજ બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ કામના આરોપી ગેરકાયદેસર, વગર પાસ પરમીટ વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા આરોપી પ્રદિપસિંહ ઉદયભાણસિંહ સિકરાવ વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇએ જાતે ફરીયાદી બની આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરાવેલ હતો.

ઉપરોકત કામના આરોપી વિરૂધ્ધ પોલીસે ચાર્જશીટ કરતા, સદર કેસ ચાલવા પર આવતા આરોપીએ તેમના એડવોકેટ હિરેન પી. ડોબરીયા મારફત એવી રજુઆતો કરેલ કે, ફોર્મ નં. સી જોતા પોલીસે બ્લડ સેમ્પલ લીધેલ, તે કાયદા મુજબ ૭ દિવસમાં બ્લડ સેમ્પલ એફ.એસ.એલ.માં મોકલી પૃથ્થકરણ થઇ જવું જોઇએ, પરંતુ આ કામમાં બ્લડ સેમ્પલ મોકલ્યાને સાત દિવસ કરતા વધુ દિવસ થઇ ગયેલ છે.

જેથી કલમ-૮પ(૧)(૩) ની કલમ લાગુ પડે નહીં, આમ ઉપરોકત તમામ હકીકતો તેમજ કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો તેમજ આરોપીના એડવોકેટ કરેલ દલીલો ધ્યાને લઇ રાજકોટના જયુડી. મેજીસ્ટ્રેટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં તહોમતદાર પ્રદિપસિંહ ઉદયભાણસિંહ સિકરાવ વતી રાજકોટના એડવોકેટ હિરેન ડોબરીયા, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની રોકાયેલા હતા.

(3:20 pm IST)