Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

૨૦૧૧ પહેલાના ૯૪૦૦ સ્ટેમ્પ ડયુટી કેસની 'ફી' વસુલવા ખાસ ઝુંબેશ

રાજકોટ કલેકટર આકરા પાણીએઃ ગ્રામ્ય કક્ષાએ ૮ હજાર તો રાજકોટમાં ૧૪૦૦ કેસોનું મૂલ્યાંકન બાકી... : તમામ પ્રાંતની મીટીંગ બોલાવતા કલેકટરઃ દરેકને જવાબદારીઃ બે અનવેષણ અધિકારી પણ મદદમાં: આ વર્ષે સ્ટેમ્પ ડયુટીની ૯ કરોડની આવક : આ વર્ષે ૬ મહિનામાં ૯૦૦ દસ્તાવેજ નોંધાયાઃ ઓછી સ્ટેમ્પ ડયુટી ભરનારને ફટકારાતી નોટીસો

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ પુરતી સ્ટેમ્પ ડયુટી ન ભરી હોય અને મૂલ્યાંકન બાકી હોય તેવા હજારો કેસો અંગે ધોકો પછાડયો છે. આજે આ બાબતે રાજકોટ શહેર-જિલ્લાના તમામ પ્રાંતની આ બાબતે મહત્વની મીટીંગ યોજી, સ્ટેમ્પ ડયુટીના કુલ ૯૪૦૦ કેસો અંગે મૂલ્યાંકન કરી જે તે પાર્ટીને ધડાધડ નોટીસો ફટકારી કાર્યવાહી ચાલુ કરી દેવા અંગે સૂચના આપી હતી. આવી ઝુંબેશમાં બે અનવેષણ અધિકારી પણ ખાસ મદદમાં રહેશે.

અત્રે એ નોંધનીય છે કે સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનના વર્ષોથી કેસો પેન્ડીંગ છે. ગ્રામ્ય કક્ષાએ ૮ હજાર તો રાજકોટ શહેરમાં આવા ૧૪૦૦ કેસો બાકી છે. આ બધા ૨૦૧૧ પહેલાના પેન્ડીંગ બોલે છે. ૨૦૧૧ બાદ તો નવી જંત્રી આવી ગઈ. આજે રાજકોટ કલેકટરે દરેક પ્રાંતની મીટીંગ બોલાવી આ મૂલ્યાંકન અંગે દરેકને નોટીસો ફટકારવા અને ત્યાર બાદ નિર્ણય લેવા, ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસુલવા આદેશો કર્યા હતા.

આ વર્ષે ૨૦૧૧ બાદની નવી આવેલ જંત્રી મુજબ ૯૦૦થી વધુ કેસો નોંધાયા. સરકારને ૯ કરોડ ઉપરની આવક થઈ છે. ૨૦૧૯માં ઓછી જંત્રી મુજબના પણ દસ્તાવેજો મળી આવ્યા છે. તે તમામ આસામીઓને પણ ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરી દેવા અંગે નોટીસો ફટકારાઈ છે.

(3:12 pm IST)