Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સિંગાપોર જેવું બનશે રૈયા સ્માર્ટ સીટીઃ ખાસ ટીપી સ્કીમ સરકારમાં રજૂ

રાજયની સૌથી મોટી ૩૬૮ હેકટર જમીનની રોલ મોડલ ટી.પી. સ્કીમ યુધ્ધના ધોરણે તૈયાર કરાવતા બંછાનીધી પાનીઃ ૧પ લાખ ચો.મી. જમીન તંત્રને મળશેઃ ૬૩ જેટલા જમીન માલીકોની ૩પ થી ૪૦ ટકા જમીન કપાત થશેઃ તમામ વાંધા-સુચનોનો નિકાલ કરી સરકારની મંજુરી અર્થે ટી.પી. સ્કીમ નં. ૩ર રજુ કરાઇઃ રૈયા સ્માર્ટ સીટી હરીયાળું બનશેઃ ર૦૦ ફુટ પહોળો રોડ બનશેઃ સ્પોર્ટસ એરેના પાણી, ગેસ, ડ્રેનેજની અદ્યતન સુવિધાઓથી સંપન્ન આ રૈયા સ્માર્ટ સીટી બનાવાશે જે સીંગાપોર જેવું બનાવવા તંત્રની મથામણ

રાજકોટ, તા., ૧૨: શહેરના રૈયા હિલ વિસ્તારમાં રૈયા સ્માર્ટ સીટી ડેવલપમેન્ટનો જબરો પ્રોજેકટ મ્યુ. કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ માટે ખાસ ટી.પી. સ્કીમ નં. ૩૨નું યુધ્ધના ધોરણે આયોજન કરી અને આ ટી.પી. સ્કીમને સરકારની મંજુરી અર્થે રજુ કરી દેવાઇ છે. આ ટી.પી. સ્કીમથી રૈયા સ્માર્ટ સીટી સિંગાપોર જેવું ડેવલોપ થશે તેવી પરીકલ્પના તંત્રવાહકોની છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટના રૈયા હીલ વિસ્તારને આવરી લઇ કુલ ૩૬૮ હેકટર જમીનમાં રાજયની સૌથી મોટી અને રોલ મોડેલ સમાન ટી.પી. સ્કીમ નં. ૩રનું આયોજન મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે કર્યુ છે. આ ટી.પી. સ્કીમમાં ૧પ લાખ ચો.મીટર જમીન તંત્રને મળશે અને આ સ્કીમમાં કુલ ૬૩ જેટલા ખેડુતોની જમીન ૩પ થી ૪૦ ટકા કપાતમાં લેવાનું આયોજન છે.

આ તમામ ખેડુત ખાતેદારો સાથે બેઠક યોજી તેઓના વાંધા-સુચનોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને ટીપી સ્કીમના ડ્રાફટ મુજબ આ વિસ્તારનો મુખ્ય રોડ ૨૦૦ ફુટ પહોળો બનાવાશે તથા અન્ય રસ્તાઅ ૬૦ ફુટ, ૪પ ફુટ, ૪૦ ફુટ, ૩૬ ફુટ, ૩૪ ફુટ અને ૧૮ મીટરની પહોળાઇવાળા બનાવવામાં આવશે. આ ઉપરાંત રૈયા સ્માર્ટ સીટીમાં આકર્ષક સ્પોર્ટસ એરેના, કન્વેન્સન સેન્ટર, ચારે તરફ હરીયાળી, ડ્રેનેજ, પાણી અને ગેસની આધુનિક સુવિધાઓ સહિતનું ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરી અને આ સ્માર્ટ સીટી સિંગાપોર જેવું બને તેવું આયોજન છે. (૪.૧૫)

(4:31 pm IST)