Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

'ખંડણીખોર' ઇભલાને લાતીપ્લોટમાં 'ખોખરો'કરતી પોલીસ

૪૨થી વધુ ગુના આચરનારા ચામડીયાપરાના ખાટકી શખ્સે ગયા મહિને વેપારીઓને ખુલ્લેઆમ ધમકાવી ગોડાઉન, કારખાના પોતાના નામે કરી દેવા કહી ખંડણી માંગી'તીઃ બી-ડિવીઝનના બે ગુનામાં ફરાર હતોઃ ગોંડલ રોડ ચોકડીએથી ક્રાઇમ બ્રાંચના મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી અને રવિરાજસિંહ પરમારની બાતમી પરથી દબોચી લેવાયોઃ હત્યાની કોશિષના ગુનામાં ભુજ જેલમાં હતોઃ છઠ્ઠા મહિનામાં પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયા પછી લાતી પ્લોટમાં આતંક શરૂ કર્યો'તો : બાપલા ભુલ થઇ ગઇ, હપ્તા નહિ માંગુ, હવે આ બાજુ દેખાઇશ જ નહિ... ઇભલાએ હાથ જોડી માફી માંગી

મોરબી રોડ ચામડીયાપરા સામે રહેતાં નામચીન ઇબ્રાહીમ ઉર્ફ ઇભલા ખાટકીને ક્રાઇમ બ્રાંચે લાતી પ્લોટમાં લઇ જઇ કાયદાનું ભાન કરાવતાં સમગ્ર લાતી પ્લોટના વેપારીઓ, ગોડાઉન-ડેલાના માલિકો, કારખાનેદારો અને મજૂરો તેમજ રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ઇભલાની આગવી ઢબે પુછતાછ કરવામાં આવતાં ઓય માડી, ઓય બાપલીયાના અવાજ શરૂ થઇ ગયા હતાં. ઇભલાએ હાથ જોડીને બધાની માફી માંગી હતી અને હવે કયારેય કોઇ પાસે હપ્તા નહિ માંગે અને આ બાજુ દેખાશે પણ નહિ તેમ કહી માફી માંગી હતી. પોલીસની આ કામગીરીની સોૈએ પ્રસંશા કરી હતી. ઇભલાનું સરઘસ જોવા ઉમટેલી મેદની અને હાથ જોડી માફી માંગી રહેલો ઇભલો જુદી-જુદી તસ્વીરોમાં દેખાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ પર રહેતાં નામચીન ઇભલા અને તેની ગેંગે લાતી પ્લોટના કારખાનેદારોને ધમકાવી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યાના બે ગુના ગયા મહિને બી-ડિવીઝન પોલીસમાં નોંધાયા હતાં અગાઉના હત્યાની કોશિષના ગુનામાં ભુજ જેલમાં રખાયેલો આ શખ્સ જુન મહિનામાં પેરોલ પર છુટીને આવ્યા બાદ ભાગતો ફરતો હતો. તેના આતંક સામે લાતી પ્લોટના વેપારીઓ, કારખાનેદારો, ગોડાઉન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજી આ શખ્સ અને તેની ટોળકીના ત્રાસમાંથી છોડાવવા રજૂઆત કરવામાં આવી હતી. અનુપમસિંહ ગહલોૈતે લાતી પ્લોટમાં કોઇ લુખ્ખાગીરી નહિ કરી શકે તેવી ખાત્રી આપી હતી. દરમિયાન લાતીપ્લોટમાં આતંક મચાવતા ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.૩૪) (રહે. મોરબી રોડ શાળા નં. ૭૭ પાસે ચામડીયા પરાની સામે)ને આજે ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. આ ખંડણીખોરને લાતી પ્લોટમાં લઇ જઇ ખોખરો કરવામાં આવ્યો હતો.

૨૪/૭ના રોજ ઇભલાના ભાઇ અને સાગ્રીતોએ લાતી પ્લોટ-૧૦માં સ્વસ્તિક ટૂલ્સ નામે કારખાનુ ધરાવતાં કોૈશલભાઇ વણિકને  ધમકાવી ફોન મારફત ઇભલા સાથે વાત કરાવી ગોડાઉન પોતાના નામે કરી દેવા ધમકી આપી ખંડણી મંગાઇ હતી. એ જ દિવસે ઇભલા સહિતનાએ મોરબી રોડ રેલ્વે પુલ પાસે સિતારામ પાર્ક મેઇન રોડ પર રહેતાં અને લાતી પ્લોટ-૧૦માં સોૈરાષ્ટ્ર ઓઇલ કંપની નામે ઓઇલનો ધંધો કરતાં શંકરલાલ કલ્યાણજીભાઇ ભાનુશાળી (કચ્છી) (ઉ.૬૨)ના કારખાને જઇ તેના ગળે છરી મુકી ખંડણી પેટે રકમ માંગી ૨૦ હજાર આપવા જ પડશે અને મિલ્કત નામે કરી દેવી પડશે તેવી ધમકી આપી હતી. આ ગુનામાં ઇભલાનો ભાઇ સલિમ ઉર્ફ સલિયો કરીમભાઇ કાથરોટીયા (ઉ.૧૯-રહે. મોરબી રોડ શાળા નં. ૭૭ પાસે), તેના મિત્રો હમિદ જીકરભાઇ પરમાર (ઉ.૨૦-રહે. ભગવતીપરા, ભુમિપ્રસાદ પાછળ) તથા સાહિલ ગુલાબભાઇ વડદરીયા (ઉ.૨૦-રહે. ભગવતીપરા)ને બી-ડિવીઝન પોલીસે પકડી લીધા હતાં. ઇભલો ત્યાથી ફરાર હતો.

હલામાં અષાઢી બીજની રથયાત્રા અંતર્ગત શહેરમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે અન્વયે ગંભીર ગુનામાં સામેલ શખ્સોને શોધી કાઢવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, બલરામ મીના, ડીસીપી હર્ષદ મહેતા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી બી.બી. રાઠોડએ સુચના આપી હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવી અને ટીમે ઇભલાની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન હેડકોન્સ. મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી અને રવિરાજસિંહ પરમારને બાતમી મળી હતી કે ફરાર ઇભલો ગોંડલ રોડ ચોકડીએ આવ્યો છે. તેના આધારે તેને દબોચી લીધો હતો.

ઇભલાએ લાતી પ્લોટના વેપારીઓ, કારખાનેદારોને ડરાવી-ધમકાવી ખંડણી માંગી પોતાનો રોફ જમાવવા પ્રયાસ કર્યો હોઇ ક્રાઇમ બ્રાંચના કાફલાએ તેને એ વિસ્તારમાં જ લઇ જઇ સરાજાહેર કાયદાનું ભાન કરાવી ખોખરો કરી નાંખ્યો હતો. પોલીસની આ કામગીરી નિહાળવા વિસ્તારના કારખાનેદારો, ગોડાઉન, ડેલાના માલિકો અને મજૂરો તેમજ રહેવાસીઓના ટોળા ઉમટી પડ્યા હતાં અને પોલીસની કામગીરીની પ્રસંશા કરી હતી.

ઇભલા વિરૂધ્ધ ૨૦૧૭માં બી-ડિવીઝન પોલીસ મથકમાં રાયોટ, ૩૦૭, ધાડ , આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા પકડાયો હતો અને ભુજ જેલમાં રખાયો હતો. ત્યાંથી ૩/૬/૧૮ના રોજ પેરોલ જમ્પ થઇ ફરાર થઇ ગયો હતો. એ પછી ગયા મહિને લાતી પ્લોટમાં આવી ખંડણીઓ ઉઘરાવવાનું શરૂ કર્યુ હતું. પોલીસે તેને લાતી પ્લોટમાં લઇ જઇ 'ઓય માડી, ઓય બાપલીયા' કરાવી દીધા હતાં.

એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ આર. સી. કાનમીયા, બી.ટી. ગોહિલ, કે. કે. જાડેજા, એ. એસ. સોનારા, હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, જયસુખભાઇ હુંબલ, સંજયભાઇ રૂપાપરા, સ્નેહભાઇ ભાદરકા, રવિરાજસિંહ પરમાર સહિતે ઇભલાને શોધી કાઢવાની કામગીરી કરી હતી. ઇભલાને લાતી પ્લોટમાં લઇ જવાયો ત્યારે બી-ડિવીઝનના પી.આઇ. પી.આઇ. આર. સી. ઠાકર, પીએસઆઇ એમ. એમ. ઝાલા, પીએસઆઇ ડામોર, પી. બી. જેબલીયા, મહેશગીરી, વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ઇભલા ઉપર ૪૨ ગુનાઃ ચાર વાર પાસા, એક વાર તડીપાર

. પોલીસના જણાવ્યા મુજબ ઇબ્રાહીમ ઉર્ફ ઇભલા સામે એ-ડિવીઝન, બી-ડિવીઝન, પ્ર.નગર પોલીસ મથકમાં લૂંટ, ધાડ, મારામારી, ખંડણી, ગેરકાયદેસર હથિયાર, પ્રોહીબીશન, ફરજમાં રૂકાવટ, જૂગારના ૪૨થી વધુ ગુના નોંધાઇ ચુકયા છે. તેમજ તે ચાર વખત પાસાની હવા ખાઇ આવ્યો છે. જેમાં બે વખત સુરત જેલ અને એક વખત વડોદરા તથા એક વખત અમદાવાદ જેલમાં હતો. એક વાર તડીપાર પણ કરાયો હતો.

(4:24 pm IST)
  • જુનાગઢના ભેસાણ પંથકમાં પણ ધમધોકાર વરસાદ : ચલાલામાં ર થી ૩ ઈંચ વરસાદ પડયાનું ચીમનભાઈ જણાવે છે. access_time 8:46 pm IST

  • ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણી આવતા ગીરા ધોધનો અદભુત વૈભવ છલક્યો: ડાંગમાં વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 114 મિમી, વઘઈમાં 203 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 95 મિમી અને સુબીરમાં 43 મિમી વરસાદ વરસ્યો છે. access_time 1:08 pm IST

  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST