Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સાહેબ, હું હાલીને જતો'તો ને મને ઉપાડી ગયા,રૂમમાં નગ્ન કરીને ખુબ માર્યો ને લૂંટી લીધો...રજપૂત યુવાને ઘડેલી સ્ટોરીથી પોલીસ ધંધે લાગી

પોલીસ તપાસમાં રૈયા ચોકડી પાસે રહેતાં યશવંત પરમારને ઓવરબ્રીજનું કામ કરતાં મજૂરોએ લોખંડ ચોરવા આવ્યાની શંકાએ ધોકાવ્યાનું ખુલ્યું

રાજકોટ તા. ૧૨: વહેલી સવારે રૈયા ચોકડી અમૃતા હોસ્પિટલ પાસે રહેતો યશવંત છનાભાઇ પરમાર (ઉ.૩૦) નામનો ગુર્જર રજપૂત યુવાન સિવિલ હોસ્પિટલે આવ્યો હતો અને પોતાને રામાપીર ચોકડીથી માધાપર ચોકડી વચ્ચેના રસ્તેથી અજાણ્યા શખ્સોએ ઉઠાવી જઇ નજીકના શ્રી પાર્ટી પ્લોટ પાસે એક રૂમમાં પુરી પેન્ટ ઉતારી માર માર્યાનું કહેતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. પણ ત્યાંની પોલીસે આવીને તેને સાથે લઇ જઇ હદ જોતાં ગાંધીગ્રામ પોલીસની હદમાં બનાવ બન્યાનું જણાતાં ત્યાં જાણ કરાઇ હતી. તપાસમાં આ યુવાને ખોટી સ્ટોરી ઘડ્યાનું જણાયું હતું.

યશવંતે જણાવ્યું હતું કે પોતે રૈયા ચોકડી પાસે એકલો જ રહે છે. દિવસે કારખાનામાં કામ કરે છે અને નાઇટ શિફટમાં હાઇવે ઓથોરિટીમાં કામ કરે છે. રાત્રે પોતે બે વાગ્યે નાના મવા સર્કલેથી રૈયા ચોકડી પાસે આવ્યો ત્યારે ઓવર બ્રિજનું કામ કરતાં શખ્સોએ 'તું અમારુ ૪૦૦ કિલો લોખંડ ચોરી ગયો છો' તેમ કહી પીકઅપ વેનમાં અપહરણ કરી માધાપર ચોકડી તરફ શ્રી પાર્ટી પ્લોટ પાસે લઇ જઇ એક રૂમમાં પુરી પેન્ટ કાઢી નાંખી માર માર્યો હતો. તેમજ વિડીયો શુટીંગ કર્યુ હતું. એ પછી તેને તેના જ ઘરે લઇ જવાયો હતો. ત્યાંથી તેની પાસેના રૂ. ૧૧૨૦૦ અને ડ્રાઇવીંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ એમ બધુ જ લૂંટી જવાયું હતું અને ઘરે છોડીને બધા ભાગી ગયા હતાં.

ગાંધીગ્રામના પીએસઆઇ ઓ. જે. ચિહલાએ હોસ્પિટલે પહોંચી વિસ્તૃત પુછતાછ કરતાં અપહરણ લૂંટની સ્ટોરીમાં તથ્ય જણાયું નહોતું. કોઇપણ કારણોસર યુવાને આવી સ્ટોરી ઘડ્યાનું જણાયું હતું. તે લોખંડ ચોરવા આવ્યાની શંકાએ કદાચ ધોલધપાટ થઇ હોય તેમ બની શકે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

(4:22 pm IST)