Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કોટક શેરીની પરિણિતાના આપઘાત કેસમાં સાસરીયાનો નિર્દોષ-છુટકારો

રાજકોટ, તા.૧૨: કોટક શેરીમાં રહેતા સોની પરણીતાને આપઘાત કરવાની ફરજ પાડવાના કેસમાં પતિ તથા સાસુ, સસરા અને દીયરનો નિર્દોષ છુટકારો કોર્ટ ફરમાવેલ છે.

રાજકોટમાં રહેતા અને ઇમીટેશન, જવેલરીનો વ્યાવસાય કરતા યોગેશ હસમુખભાઇ બારભાયા, ઇલાબેન હસમુખભાઇ બારભાયા, હસમુખભાઇ વિઠલદાસ બારભાયા, નિલેશ હસમુખભાઇ બારભાયા વિરૂધ્ધ મોરબીમાં રહેતા સોની જસ્મીનભાઇ ચમનભાઇ રાણપરાએ તેમની બહેન નિમીષા ઉર્ફે ભાવીશાને શારીરીક, માનસીક ત્રાસ આપી અને પતિ યોગેશ અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખી આપઘાત કરવાની ફરજ પાડેલ હોય અને તે અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં બધા આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૬, ૪૯૮,(ક), ૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

આ ફરીયાદમાં પતિ યોગેશ તથા દીયર નીલેશ તથા સાસુ, સસરા પરણીતા નિમીષાને ખુબજ મારકુટ કરી અને ઘરકામ જેવી બાબતોમાં અવાર નવાર મેણા ટોળા મારી હેરાન કરતા હતા અને આપઘાત કરાવવાના ઇરાદા સાથે અસહત ત્રાસ આપતા હોય તેના કારણે તેણીને તા.૧૯/૪/૧૬ના રોજ આપઘાત કરવાની ફરજ પડેલ હતી અને તે બાબતની વિસ્તુત ફરીયાદ આપવામાં આવેલ અને ગુજરનાર ભાવીશબેનના માતા પિતા અને રાજકોટમાં રહેતા બહેનોના પોલીસે નીવેદન લીધેલ અને જે અનુસંધાને પોલીસે ઉપરોકત તમામ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી.

બચાવપક્ષના વકીલશ્રી ભગીરથસિંહ ડોડીયાએ આરોપી વતી રજુઆત કરેલ હતી કે આ કેસમાં પુરાવો જોતા ગુજરનારને લગ્ન જીવનના ૧૧ વર્ષમાં કોઇ સંતાન થયેલ ન હતું જે અંગે રાજકોટ અને મોરબીના જુદા-જુદા ડોકટરો આગળ દવાઓ લેવાનું પણ ચાલુ હતું

આરોપીઓ એટલે કે સાસુ, સસરા વૃધ્ધ ઉંમરના છે બનાવના પાંચ વર્ષ પહેલાથી પરેલીસીસ અને હાર્ટની બીમારીઓથી પીડાઇ રહેલ છે અને ફરીયાદપક્ષ દ્વારા મોઘમ અને જનરલ આક્ષેપો કરવામાં આવેલ છે. સમગ્ર પુરાવો ધ્યાને લેવામાં આવેતો ગુજરનારને મરી જવા માટે ઇરાદાપુર્વક ત્રાસ આપવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી અને આઇ.પી.સી. કલમ ૪૯૮ અને ૩૦૬ના કોઇ તત્વો ફલીત થતા નથી અને દલીલના સમર્થનમા જુદા જુદાના સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ હતા.

ઉપરોકત બચાવ પક્ષની દલીલો અને ચુકાદાઓ તથા ફરીયાદપક્ષના સાહેદોની જુબાની અને સમગ્ર દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ જોઇન્ટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી બાબીએ ઉપરોકત તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી આ કેસ માંથી છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કામમાં બચાવપક્ષે રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાસુ પારેખ, જયવીર બારૈયા, વિજયસિંહ જાડેજા, મીલન જોષી, હીરેન ન્યાલચંદાણી એડવોકેટ તરીકે રોકયેલા હતા.(૨૨.૧૨)

(4:20 pm IST)