Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

આનંદો... હવે બાકી રહી ગયેલા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉ. ગુજરાતમાં મેઘરાજાની દે ધનાધનવાળી

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૧૨થી ૧૯ જુલાઈ સુધીની આગાહીઃ સૌરાષ્ટ્રના ૬૦% વિસ્તારમાં ૫૦થી ૮૦ મીમી અલગ - અલગ દિવસે છૂટાછવાયા વિસ્તારમાં ૧૦૦ મીમીથી વધુ સંભાવના : બાકીના ૪૦% સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૫થી ૫૦ મીમી તબક્કાવાર વરસાદ પડશે : ઉત્તર ગુજરાતમાં ૪૦થી ૮૦ મીમી અલગ - અલગ દિવસે તબક્કાવાર વિસ્તારોમાં પડશે

રાજકોટ તા. ૧૨: વેધર એનાલીસ્ટ અશોકભાઇ પેટેલે સોરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત-કચ્છના લોકોના હૈયે ટાઢક મળે તેવો વર્તારો આપ્યો છે. આજે 'અકિલા' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હવે બાકી રહી ગયેલા વિસ્તારોમાં આગામી દિવસોમાં મેઘરાજા સટાસટી બોલાવે તેવી શકયતા છે.

ગત આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના વિસ્તારોને વરસાદનો લાભ મળશે અને અન્ય જગ્યાએ ઝાપટા - હળવો વરસાદ થયો. જયારે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી ગયો, પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ઘણા વિસ્તારો વરસાદથી વંચિત રહ્યા.

સમગ્ર ગુજરાતમાં આજ સુધી સીઝનનો ૮૨.૮૬% વરસાદ પડ્યો છે. જેમાં દ. ગુજરાત ૩૮.૩૫, મધ્ય ગુજરાત ૨૦.૭૧ જેમાં અમદાવાદ જીલ્લામાં સૌથી ઓછો ૭.૮૯%, ઉત્તર ગુજરાતમાં ૧૨% જેમાં બનારસકાંઠામાં સૌથી ઓછો ૫.૮૫% વરસાદ નોંધાયો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ૧૨.૭૭% વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો ૧.૯%, સુરેન્દ્રનગર ૩.૯૩% અને કચ્છમાં ૧.૨૫% વરસાદ નોંધાયો છે.

હાલ ચોમાસુધરી નોર્મલ તરફ અનુપગઢ, શિવપુરી, પેંદ્રા, દીઘા, મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી પોણો કિ.મી.ની ઉંચાઈએ છે. બંગાળની ખાડીવાળુ લોપ્રેશર ફકત અપરએર સાયકલોનીક સરકયુલેશન તરીકે દક્ષિણ ઉત્તર પ્રદેશ ઉપર ૧.૫ કિ.મી.ની ઉંચાઈએ છે. એક નવું અપરએર સાયકલોનીક સરકયુલેશન ઉત્તર ઓરીસ્સાના કિનારા નજીક છે. ૫.૮ કિ.મી.ની ઉંચાઈએ ફેલાયેલ છે. જેમાંથી ટૂંક સમયમાં લોપ્રેશરમાં પરિવર્તિત થશે. એક ઈસ્ટ - વેસ્ટ સીઅરઝોન સૌરાષ્ટ્રના દક્ષિણેથી આ ઓરીસ્સાના અપરએર સાયકલોનીક સરકયુલેશન તરફ ૨૦ ડિગ્રી નોર્થ લેટીટ્યુટ ઉપર ૪.૫ કિ.મી.ની ઉંચાઈએ છે. તેમજ આ ઈસ્ટ-વેસ્ટ સીઅરઝોનથી સૌરાષ્ટ્રમાંથી ૨૧ ડિગ્રી નોર્થ આ યુએસઈમાંથી ૨૧ ડિગ્રી નોર્થ ઉપર ૩.૧ કિ.મી.ની ઉપર જાય છે.

એક યુએસઈ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાતને અરબીસમુદ્ર ઉપર ૩.૧ના ઉંચાઈ ઉપર છે. સામાન્ય રીતે યુએસઈ જયાં હોય તેનાથી દક્ષિણે અને દક્ષિણ પશ્ચિમે વધુ વરસાદ હોય. આ યુએસઈ આગાહી સમય દરમિયાન ૪-૫ દિવસે અલગ - અલગ દિવસે ગુજરાત અને લાગુ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં રહેશે. ઈસ્ટ - વેસ્ટ સીઅરઝોન પણ આગાહી સમયમાં ચારેક દિવસ ગુજરાત ઉપરથી પસાર થશે. ચોમાસુધરી દક્ષિણ તરફ આવશે. દરેક ફોરકાસ્ટ મોડલોમાં અલગ - અલગ તારણ જોવા મળે છે.

અશોકભાઈ પટેલ તા.૧૨થી ૧૯ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવે છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મધ્યમ અને કયાંક કયાંક અતિ ભારે વરસાદ પડશે. જયારે ઉત્તર ગુજરાતમાં આગાહી સમયની કુલમાત્રા ૪૦થી ૮૦ મીમી અલગ - અલગ દિવસે તબક્કાવાર વિસ્તારોમાં પડશે. જયારે સૌરાષ્ટ્રના ૬૦% વિસ્તારમાં ૫૦થી ૮૦ મી.મી. અલગ - અલગ દિવસે પડશે. છૂટાછવાયા વિસ્તારમાં ૧૦૦ મી.મી.થી વધુ વરસાદની સંભાવના છે. જયારે બાકીના ૪૦% સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૫થી ૫૦ મી.મી. અલગ - અલગ દિવસે અલગ - અલગ વિસ્તારોમાં વરસાદ પડશે.(૩૭.૧૬)

 

(3:57 pm IST)