News of Thursday, 12th July 2018

મહિલા એડવોકેટને મરવા મજબૂર કરનાર પ્રેમી મુર્તુઝા ત્રવાડીની ધરપકડઃ બહેન-બનેવીની શોધ

બેંકમાં નોકરી કરતાં વ્હોરા શખ્સે કહ્યું- લગ્ન પછી જુદા રહેવાનું કહેવાતાં તેણે એક વર્ષ પહેલા જ લગ્નની ના પાડી દીધી'તી

રાજકોટ તા. ૧૨: ગાંધીગ્રામ રૂષિ વાટીકા-૨માં રહેતાં અને યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે રાજેશ્વરી કોમ્પલેક્ષમાં એડવોકેટ નોટરીનું કામ કરતાં   દિવ્યાબેન મગનભાઇ વિઠા (બ્રાહ્મણ) (ઉ.૩૪)એ મંગળવારે પોતાની ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.  પોલીસને તપાસ દરમિયાન એક ચિઠ્ઠી મળી હતી. જેમાં મુર્તુઝા નામના યુવાન  સાથે તેણીને પ્રેમ સંબંધ હોઇ અને તેણે લગ્નની ના પાડી દેતાં પોતે આ પગલું ભર્યાનો દિવ્યાબેને ઉલ્લેખ કર્યો હોઇ તેના આધારે પોલીસે તેણીના ભાઇની ફરિયાદ પરથી દિવ્યાબેનને મરવા મજબૂર કરવા અંગે મુર્તુઝા તથા તેને મદદરૂપ થનાર બહેન અને બનેવી સામે ગુનો નોંધી મુર્તુઝાની ધરપકડ કરી છે.

ઋષિ વાટીકા-૨માં રહેતાં અને જુનિયર એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતાં રાજેશભાઇ મગનભાઇ વિઠા (રાજગોર બ્રાહ્મણ) (ઉ.૩૩)ની ફરિયાદ પરથી પોલીસે મુર્તુઝા ફકરૂદ્દીનભાઇ ત્રવાડી (ઉ.૪૧-રહે. રેસકોર્ષ પાર્ક પાસે મારૂતિનગર અમન એપાર્ટમેન્ટ) તથા તેના બહેન અને બનેવી સામે પોલીસે આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

રાજેશભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે પોતે માતા, દાદીમા જયાબેન, બહેન દિવ્યાબેન સાથે રહે છે. પોતે  યાજ્ઞિક રોડ પરની ઓફિસમાં વકિલાતનું કામ કરે છે અને દિવ્યાબેન નોટરીનું કામ કરતાં હતાં. સોૈથી મોટાભાઇ અતુલભાઇ મુંબઇ રહે છે. બીજા એક બહેન મનહરપુર સાસરે છે. દિવ્યાબેન અપરિણીત હતાં. તા. ૯ના રોજ પોતે રાજકોટથી ઇન્દોર કામ સબબ જવા નીકળ્યા હતાં. ૧૦મીએ સવારે સાડા દસેક વાગ્યે ઓફિસે આવતાં ગ્રાહકે ફોન કરીને જણાવેલ કે દિવ્યાબેન ફોન ઉપાડતાં નથી અને ઓફિસ અંદરથી બંધ છે. આથી તેણે બનેવી રાજેશકુમાર ભટ્ટને જાણ કરતાં તે ઓફિસે પહોંચ્યા હતાં. પોલીસની હાજરીમાં લોક તોડીને જોતાં અંદર બહેને ગળાફાંસો ખાઇ લીધાની ખબર પડી હતી. પોલીસને ઘ્વિયાબેને લખેલી એક સ્યુસાઇડ નોટ પંચનામા વખતે ટેબલના ખાનામાંથી મળી હતી. જેમાં લખ્યું હતું કે, 'ભાઇ રાજેશ મને માફ કરજે, મારા આ ફેસલા પર કાલે રાત્રે મુર્તુઝા, તેની બહેન અને બનેવીએ મને ગમે તે રીતે બોલ્યા હું આ બધુ સહન કરી શકુ તેમ નથી, મુર્તુઝા સાથે મારે ચાર વર્ષથી સંબંધ છે અને હવે લગ્ન કરવાની ના પાડે છે...' તેવી વિગત લખેલી હતી. મુર્તુજાએ લગ્નની ના પાડી હોઇ અને તેના બહેન બનેવીએ પણ જેમ તેમ બોલાચાલી કરી હોઇ જેથી મરી જવા માટે દિવ્યાબેન મજબૂર થયાનું રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે.

પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. ગોસાઇ અને કોૈશેન્દ્રસિંહે  ગુનો નોંધી મુર્તુઝા ફખરૂદ્દીનભાઇ ત્રવાડી (ઉ.૪૧)ની ધરપકડ કરી છે. તેણે એવું કહ્યું હતું કે પોતે એચડીએફસી બેંકમાં કામ કરે છે. પ્રોપર્ટી કાર્ડ બાબતે ચાર વર્ષ પહેલા દિવ્યા વિઠા સાથે સંપર્ક થયો હતો અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. લગ્ન બાદ પરિવારથી જુદા રહેવાની વાત દિવ્યાએ કરી હોઇ પોતે પરિવારથી અલગ રહેવા જઇ શકે નહિ તેમ કહેતાં એક વર્ષ પહેલા જ તેણે પોતે લગ્ન નહિ કરે તેમ કહી દીધું હતું. પોલીસે તેની વિશેષ પુછતાછ હાથ ધરી તેના બહેન-બનેવીની પણ ધરપકડની તજવીજ કરી છે.

(2:44 pm IST)
  • જૂનાગઢ પંથકમાં બારે મેઘ ખાંગા: સવારથી જ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ : ઠેક ઠેકાણે ભરાયા પાણી : ગિરનારના જંગલમાં અને શહેરમાં ધુવાધાર વરસાદ : વિલિંગડન અને હસ્નાનપુર ડેમમાં નવા નીર : ગિરનાર પર્વત પર ધોધમાર વરસતા વરસાદનો જુઓ વિડીયો access_time 11:21 pm IST

  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • ખાંભાના નવા માલકનેશ વાડીની ઓરડી માં સુતેલી દીકરીને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરીની માં પર દીપડા નો હુમલો.:મહિલાને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાઈ access_time 10:27 pm IST