Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ઘીયાવડના રાહુલ ભરવાડને રાજકોટમાં ગઠીયા ભેટ્યાઃ 'ઘેની ફાકી' ખવડાવી રૂ.૩૧૫૦૦ની મત્તા કાઢી લેવાઇ

ગ્રીનલેન્ડ ચોકડીએથી બે શખ્સોએ ઇકો ગાડીનું ભાડુ બાંધ્યું: ફાકી ખવડાવતાં બેભાન થઇ ગયોઃ ચાંદીનું કડુ, મોબાઇલ ફોન અને રોકડ બઠ્ઠાવી લેવાયાઃ બે ગઠીયાને શોધતી કુવાડવા પોલીસ

રાજકોટ તા. ૧૨: વાંકાનેરના ઘીયાવડમાં રહેતાં અને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ ઇકો ગાડી રાખી ભાડા કરતાં ભરવાડ યુવાનની ગાડી બે શખ્સોએ ભાડેથી બાંધ્યા બાદ તેને રસ્તામાં ઘેની ફાકી ખવડાવી બેભાન કરી દઇ રોકડ, ચાંદીનું કડુ અને મોબાઇલ ફોન બઠ્ઠાવી લેતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ઘીયાવડના રાહુલ અરજણભાઇ ખોડા (ઉ.૧૯) નામના ભરવાડ યુવાનની ફરિયાદ પરથી ૨૦ થી ૨૫ વર્ષના બે શખ્સો સામે આઇપીસી ૩૨૮, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. રાહુલના કહેવા મુજબ પોતે પોતાની ઇકો કાર જીજે૩એચએ-૪૬૬૫ લઇ ગઇકાલે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ સવારે દસેક વાગ્યે ઉભો હતો. આ વખતે બે શખ્સ આવ્યા હતાં અને પ્રથમ કુવાડવા જવાનું અને ત્યાંથી સરધાર જવા માટેનું ભાડુ નક્કી કરી બેસી ગયા હતાં.

ગાડી ચાલુ થતાં રસ્તામાં એક શખ્સે ફાકી ખાવા આપી હતી. ગાડી સરધાર રોડ પર ચડતાં પોતાને ચક્કર આવવા માંડ્યા હતાં. એ વખતે જ એક શખ્સે ગાડી ઉભી રખાવી હતી અને બીજા એક ભાઇને બેસાડવા છે તેવી વાત કરી હતી. એ પછી પોતે બેભાન થઇ ગયો હતો. બપોર બાદ ભાનમાં આવતાં હાથમાંથી ચાંદીનું કડુ રૂ. ૨૦ હજારનું, મોબાઇલ ફોન તથા રોકડા રૂ. ૪૫૦૦ મળી કુલ ૩૧૫૦૦ની મત્તા ગાયબ જણાઇ હતી. બાદમાં તે ગ્રીનલેન્ડ ચોકડીએ આવ્યો હતો અને પિતાને ફોન કરી રાજકોટ બોલાવી પોલીસ મથકે પહોંચ્યો હતો.

કુવાડવાના પીએસઆઇ વી. પી. આહિર અને રાઇટર મહાવીરસિંહે ગુનો નોંધી ગઠીયાઓને ઝડપી લેવા સીસીટીવી કેમેરા ચેક કરવા કવાયત હાથ ધરી છે.

(12:45 pm IST)