Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

રાજકોટ જીલ્લાના ૩૫ ગામોમાંથી મોડી રાત્રે ૧૦ હજાર લોકોનું સ્થળાંતરઃ આર્મીની બટાલીયન આવી પહોંચી

એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો તૈનાતઃ કલેકટર-મ્યુ. કમિશ્નરને સ્પેશીયલ સેટેલાઈટ ફોન અપાયાઃ જેતપુર, ધોરાજી, ઉપલેટાના ૩૫ ગામોમાં તલાટી-આશાવર્કર સહિતના કર્મચારીઓ તૈનાત કરાયાઃ દર કલાકે રીપોર્ટઃ ફુડ પેકેટ આપવા માંગતી સંસ્થા-દાનવીરોને કલેકટરના ડીઝાસ્ટર કંટ્રોલરૂમ ફોન નંબર ૨૪૭૧૫૭૩નો સંપર્ક કરવા કલેકટરની અપીલઃ સાંજ સુધીમાં ૨ાા લાખ ફુડ પેકેટો તૈયાર

રાજકોટ, તા. ૧૨ :. વાયુ વાવાઝોડુ વિકરાળ બન્યુ છે અને વેરાવળથી ૨૮૦ કિ.મી. દૂર કેન્દ્રીત થયુ છે. રાજ્ય સરકાર હાઈએલર્ટ બની ગઈ છે.

દરમિયાન રાજકોટ કલેકટર તંત્રે ગત મોડી રાતથી જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલ પંથકના ૩૫ ગામો કે જ્યાં ભયજનક બાબત ગણી શકાય છે, ત્યાંથી ૧૦ હજાર લોકોનું સ્થળાંતર કરી જુદી જુદી સ્કૂલ-કોલેજોમાં આશ્રય આપ્યો છે અને તેમના માટે ૧૨ જેટલા લાયઝન ઓફિસરોની નિમણૂક કરી છે.

ઉપરોકત ૩૫ ગામો માટે તલાટી-આશાવર્કર સહિતના કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. દર કલાકે રીપોર્ટ મેળવાઈ રહ્યો છે.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને ઉમેર્યુ હતુ કે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ ટુ છે. આર્મીની એક બટાલીયન પણ રાજકોટ આવી ગઈ છે. કલેકટર અને મ્યુ. કમિશ્નર બન્નેને એક એક સેટેલાઈટ ફોન અપાયા છે.

કુલ ૫ લાખ ફુડ પેકેટો તૈયાર કરાશે. ૨ાા લાખ સાંજ સુધીમાં તૈયાર થઈ જશે. આત્મીય કોલેજ, બીએપીએસ-ગોંડલ સ્વામિનારાયણ મંદિર, આપાગીગાનો ઓટલો, રાજકોટ ડેરી સહિતની સંસ્થાઓ દ્વારા હજારો ફુડ પેકેટો અપાઈ રહ્યા છે.

કલેકટરે ૫ લાખ ફુડ પેકેટો તૈયાર કરવાના હોય, સંસ્થાઓ-દાનવીરોને તાકિદે કલેકટર કચેરીની ડીઝાસ્ટર શાખાના ફોન નંબર ૨૪૭૧૫૭૩ ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે.

(11:54 am IST)