Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

રાજકોટ ડેરી અમુલ દહીં-પનીર બજારમાં મુકશે

દુધ ઉત્પાદકોને કિલો ફેટે રૂ-૭ ભાવ ફેર, ૬ કરોડ ટુંક સમયમાં ચુકવાશેઃ ૨૧ જુનથી ખરીદ ભાવમાં રૂ. ૨૦ વધારોઃ સભાસદોને ૧૫ ટકા ડીવીડન્ડઃગોવિંદભાઇ રાણપરીયાની જાહેરાત

રાજકોટ તા.૧૨: રાજકોટ જિલ્લાના ૭૨ હજાર દુધ ઉત્પાદકો થકી ૩.પ૦ લાખથી વધુ લોકો સાથે સીધી રીતે સંકળાયેલ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે છેલ્લા ૧૫ વર્ષના અમારા નેતૃત્વ દરમ્યાન તમામ ક્ષેત્રે અવિરત વિકાસના સોપાનો સર કર્યા છે અને ખેતી સાથે પશુપાલન વ્યવસાયને ઉતેજન આપી પશુપાલકોને આર્થિક રીતે પગભર થવામાં મજબુત સહકારી આપી સહકારી ક્ષેત્રની કામગીરીનું ઉતકૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડયું છે. તેમ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી ગોવિંદભાઇ રાણપરીયાએ જણાવ્યું હતું. સહિયારા પ્રયાસોથી ૨૦૧૭-૧૮ના વર્ષનો રાજકોટ ડેરીનો ચોખ્ખો નફો ૫૯૮.૨૨ લાખ થયો છે. સાથોસાથ સતત ૧૫માં વર્ષ તેમણે સભાસદોને ૧૫ ટકા ડીવીડન્ડ (રૂ.૨.૩૨ કરોડ) ચૂકવવાની જાહેરાત કરી હતી. બપોરબાદ કંડોરણામાં સામાન્ય સભા યોજાયેલ છે.

જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે અનેક પડકારો વચ્ચે આગલા વર્ષની સરખામણીએ ૨૦૧૭-૧૮ના વર્ષમાં દૂધ ઉત્પાદકોને દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે રૂ. ૧૭નો ભાવ વધારો ચૂકવી કુલ રૂ. ૧૬ કરોડ વધારાના ચૂકવ્યા છે. તેમ જણાવી તા. ૨૧/૬/૨૦૧૮ થી દૂધના ખરીદભાવમાં પ્રતિકિલોએ રૂ. ૨૦નો વધારો ચૂકવવાની તેમજ દહીં અને પનીર બનાવવાની જાહેરાત કરી હતી.

તેમણે જણાવેલ કે, મોરબી જિલ્લા અલગ થવા છતા રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા ૭૨૧ દૂધ મંડળીઓ મારફત દૈનિક સરેરાશ ૪.૧૦ લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવેલ છે. અને મોરબી જિલ્લામાં ગયેલ ૧૨૦ દૂધ મંડળીઓને તમામ હકક, હિસ્સા તથા શેર ભંડોળ પણ પરત આપી દેવામાં આવેલ છે. જિલ્લાની ૭૨૧ મંડળીઓ પૈકી ૫૩ ટકાથી વધુ એટલે કે, ૩૮૪ મંડળીઓ મહિલા સંચાલિત છે જે રાજકોટ ડેરીનું વિશેષ જમાપાસું છે. વર્ષના અંતે પ્રતિકિલો ફેટે રૂ. ૭ ભાવ ફેર ચૂકવવાની જાહેરાત કરતા ગોવિંદભાઇ રાણપરીયાએ જણાવેલ કે, દૂધ ઉત્પાદન મંડળીઓ માફરત દૂધ ઉત્પાદકોને રૂ. ૬ કરોડની વધારાની રકમ પણ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે.

૨૦૦૨-૨૦૦૩માં પોતે ચેરમેન બન્યા ત્યારે ડેરીનું ટર્નઓવર રૂ. ૬૭.૮૧ કરોડ હતુ જે વધીને ઐતિહાસિક સ્તર રૂ. ૭૭૭.૧૫ કરોડે પહોંચ્યું છે. જયારે નફો રૂ. ૧૯.પપ લાખ હતો તે વધીને રૂ. ૫.૮૯ કરોડે પહોચ્યો છે. દૂધના ખરીદ ભાવ કિલોફેટે રૂ. ૧૮૫ હતા તે વધીને રૂ. ૬૨૫ થયા છે. દૂધ સંપાદન ૧.૨૩ લાખ કિલો પ્રતિદિન હતુ તે વધીને ૪.૧૦ લાખ કિલોએ પહોંચ્યું છે. અને દૈનિક વેચાણ ૪૦ હજાર કિલો હતુ તે વધીને ૩.૫ લાખ કિલો થયેલ છે.

આ ઉપરાંત ૨૦૦૨-૦૩માં દુધ મંડળીની સંખ્યા ૩૧૯ હતી તે વધીને ૭૨૧ થઇ છે. સભ્યો ૩૫ હજારથી વધી ૭૨ હજાર થયા છે. ગોપાસ છાસના વેંચાણમાં પણ ૩૧ ટકાનો વધારો કરી કુલ ૨૩૪ લાખ લીટરે પહોંચાડવામાં સફળતા મેળવી છે.

દહીં અને પનીરનું ઉત્પાદન

ડેરીના ચેરમેન શ્રી ગોવિંદભાઇ રાણપરીયાએ મહત્વની જાહેરાત કરતા જણાવેલ કે, આગામી દોઢ બે માસમાં જ રાજકોટ ડેરીમાં 'અમુલ દહીં' અને 'અમુલ પનીર' નું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ માટેના પ્લાન્ટ કાર્યાન્વિત થવાની તૈયારીમાં છે.

આ ઉપરાંત ડેરીમાં સંપૂર્ણ ઓટોમેટેડ હાઇસ્પીડ પેકીંગ લાઇન પણ ટુંક સમયમાં શરૂ કરવા સાથે એક વર્ષમાં નવી ૫૦ દૂધમંડળી શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રાજકોટ ડેરીમાં દૂધની ગુણવતા, સ્વચ્છતા અને ભેળસેળ અટકાવવા બોર્ડ કટીબધ્ધ છે. અને ભેળસેળ વાળુ દૂધ અટકાવવા માટે જવાબદાર મંડળીઓ સામે કડક પગલા ભરવામાં આવી રહેલ છે. (૧.૧૦)

(11:46 am IST)