Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજકોટમાં કોરોના નિદાન - સારવાર માટે ૩.૪૦ કરોડની ગ્રાન્ટ ફાળવતા ભાજપના કોર્પોરેટરો

૬૮ કોર્પોરેટરોની પ્રત્યેકની રૂ. ૫ લાખની ગ્રાન્ટ સાધન ખરીદી - ઓકસીજન - દવા વગેરેની ખરીદીમાં વપરાશે : ગત વર્ષે પણ કોર્પોરેટરોએ માનદ વેતન કોરોના સારવાર માટે આપ્યું હતું : મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત

રાજકોટ તા. ૧૨ : કોરોના દર્દીઓના નિદાન - સારવાર માટે હવે પછીથી સાધનો અને દવાઓની અછત ન થાય તે માટે શાસક પક્ષ ભાજપના તમામ ૬૮ કોર્પોરેટરોએ તેઓને વોર્ડના વિકાસ માટે ફાળવાતી વાર્ષિક ગ્રાન્ટમાંથી રૂ. ૫ લાખની ફાળવવાનો પ્રેરક નિર્ણય લીધો હતો.

મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, હાલમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસો ખુબ જ વધવા પામેલ છે. આ કોરોનાની મહામારીમાં શાસક પક્ષના કોર્પોરેટરોએ મદદરૂપ થવાના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના નિર્ણયને પગલે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપ કોર્પોરેટરશ્રીઓને સને ૨૦૨૧-૨૨માં વિકાસ કામો માટે મળવાપાત્ર ગ્રાન્ટમાંથી રૂ.૫ લાખ કોવીડ અંતર્ગત ફાળવવાનો નિર્ણય કરે છે. શાસક પક્ષના ૬૮ કોર્પોરેટરની રૂ.૫ લાખ ગ્રાંટ મુજબ રૂ.૩.૪૦ કરોડ ફાળવવામાં આવશે.

કોર્પોરેટરની આ ગ્રાંટમાંથી કોર્પોરેશનની એમ્બ્યુલન્સમાં ઓકિસજન કીટ ઇન્સ્ટોલમેન્ટ કરવું તેમજ આરોગ્ય કેન્દ્રમાં જુદા જુદા ટેસ્ટ જેમ કે, ડી-ડાઈમર, સી.આર.પી., સેલ કાઉન્ટ, એલ.ડી.એફ, ફેરીટીન, વિગેરે ટેસ્ટિંગ માટેના મશીન મુકવા ઉપરાંત કોવીડ રિલેટેડ દવા ખરીદવા જણાવવામાં આવેલ છે.

(3:56 pm IST)