Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ભાવનગરમાં મોબાઇલ યજ્ઞકુંડ પ્રયોગ

સૌરાષ્ટ્રમાં પ૦ યજ્ઞયાત્રા કરી : ડો. ઓમ ત્રિવેદીનું વિશિષ્ટ રિસર્ચ

રાજકોટ, તા.૧ ર ભાવનગરમાં મોબાઇલ યજ્ઞકુંડ દ્વારા વિસ્તારને સેનેટરાઇઝ કરવાના પ્રયોગો ચાલે છે.

વૈદિક વિજ્ઞાનના આધારે યજ્ઞથેરાપી મુજબ મોબાઈલ યજ્ઞકુંડ દ્વારા ચોક્કાસ દ્રવ્યો જેવા કે ગાયના છાણાં,ગાયનું ઘી, આંબાના સમીધા (લાકડા),ભીમસેની કપૂર તથા વૈજ્ઞાનિક હવન સામગ્રીનો ઉપયોગ કરી આ દ્રવ્યોનું એક બીજા સાથે થતું રિએકશન પૂર્ણ કરી સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવાનો પ્રયોગ વિસ્તારમાં યજ્ઞયાત્રા દ્વારા તથા ઘરમાં, ઓફીસોમાં અને ખેડૂતો ખેતરમાં મોબાઈલ યજ્ઞકુંડ દ્વારા કરી શકે છે.

યજ્ઞયાત્રાના સ્થાપક તથા યજ્ઞથેરાપીના સંશોધક જેને સૌરાષ્ટ્રમાં ૫૦ યજ્ઞયાત્રા અને ૩૦૦ જેટલાં નિવાસ સ્થાનોપર નિશુલ્ક યજ્ઞ કરીને આપેલ છે તેવા ભાવનગર યુનિવર્સીટીના પ્રોફેસર ડૉ.ઓમ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે તેમણે યજ્ઞ ઉપર ઘણું રિસર્ચ કાર્ય કરીને તેના રીસર્ચ પેપરને નેશનલ અને ઇન્ટરનેશનલ મોકલેલા હતા.જ્યાં તેને સ્વિકૃત કરવામાં આવેલા છે.મારા ઘરમાં મારા જન્મના પહેલાથી જ યજ્ઞ કરવામાં આવે છે.મને એવો વિચાર આવ્યો કે આ સ્થિર યજ્ઞકુંડની વિચારધારાને વ્યાપક સ્વરૂપ આપીને અલગ અલગ સ્થાન ઉપર યજ્ઞકુંડ દ્વારા યજ્ઞ કરવામાં આવેતો વાતાવરણ શુદ્ધ થશે,લોકોના મન પણ શુદ્ધ થશે અને કોરોના જેવી ભયંકર મહામારી ઉપર પણ નિયંત્રણ લાવી શકાશે. સૂક્ષ્મ અને સ્થૂળ તમામ પ્રકારના જીવ જંતુ અને પ્રાણીમાત્રને ફાયદો થશે.વેદોના અને જુદી જુદી વ્યકિતઓના રિસર્ચના પ્રમાણોનો અભ્યાસ કર્યો.તેના પરથી એવું તારણ નીકળ્યું કે યજ્ઞમાં ચોક્કસ પ્રકારની હવન સામગ્રીની આહુતી આપવામાં આવે તો તેનું નેનો-પાર્ટીકલના સ્વરૂપમાં રૂપાંતર થાય છે. જે જુદા જુદા પ્રકારના કેમિકલ-અણુ-પરમાણુઓ ઉત્પન્ન કરે છે.તે વાતાવરણને શુદ્ધ કરે છે.તેવુ પ્રમાણ મળતાં આ વિચારધારાને વ્યાપક સ્વરૂપ આપવાનો મે નિર્ણય કર્યો.જુદા જુદા વિસ્તારમાં સ્થિર યજ્ઞકુંડ દ્વારા યજ્ઞ શરૂ કરેલા પરંતુ થોડા વિસ્તારને જ આવરી શકાતો હતો.

મોબાઈલ યજ્ઞકુંડની વિચાર ધારા

સ્થિર યજ્ઞકુંડ માંથી મને એક એવો વિચાર આવ્યો કે યજ્ઞકુંડને જ હાથમાં લઇને ત્રીસેક જેટલા સ્વયંસેવકો મંત્રોચ્ચાર કરતા કરતા પવિત્ર યાત્રા કરીને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરેતો ? આ માટે મેં ટ્રાઈ એન્ડ એરરના અંતે યજ્ઞકુંડની મોબાઈલ લાઈટ વેઇટ ડિઝાઇન તૈયાર કરી. આ પધ્ધતિથી અમારા ભાવનગરના સિંધી વિસ્તારને સેનેટાઈઝ કરવાનો પ્રયોગ સફળ થયો. પ્રયોગની આ સફળતાને કારણે ઘણા ગામો દ્વારા આમંત્રણ મળતા મેં સાથે રહીને સમગ્ર ગામને મોબાઈલ યજ્ઞકુંડ દ્વારા સેનેટરાઈઝ કરેલ છે. જેનું ખૂબ જ સારું પરિણામ મળેલુ છે. યજ્ઞમાં જુદા જુદા વિભિન્ન ગુણધર્મો ધરાવતા ૭૨ જેટલી આયુર્વેદિક ઔષધિઓનો વૌજ્ઞાનિક હવન સામગ્રીની ફોર્મ્યુલા તૈયાર કરવા માટે ઉપયોગ કરેલો છે. જેમાંથી અમુક દ્રવ્યો અલગ અલગ રાજ્યોથી પણ મંગાવેલા છે.તેની સાથે લોકલ મળતા દ્રવ્યો જેવા કે લવિંગ, ગુગળ, ખડીસાકર, અજમાં, લીમડાના શુકાપાન, ભીમસેની કપૂર વગેરે.તથા ગાયના છાણા,આંબાના લાકડા દેશી ગાયના ઘી ની જો યજ્ઞમાં આહુતિ આપવામાં આવે તો તેમાથી ફોર્મિકલડીહાઇડ, ઇથેનોલ, મિથેનોલ, યુજીનોલ,પીજીનોલ સહિતના કેમિકલ વતાવરણમાં ભળે છે જે વાતાવરણને શુદ્ધ કરવામાં મહત્તમ ઉપયોગી છે.યજ્ઞની અંદર ૨૫૦ થી ૧૩૦૦ ડિગ્રી જેટલું તાપમાન હોય છે.તેમાંથી જે અણુ છુટા પડે છે. તેનું તાપમાન પણ આટલું જ હોય છે.આટલા તાપમાને વાતાવરણની અંદર વાયરસ નાશ પામે છે.

 યજ્ઞયાત્રા કરવા તથા મોબાઈલ યજ્ઞકુંડની માહિતી માટે  ડૉ. ઓમ ત્રિવેદી એમ.કે.બી. યુનિવર્સીટી, ભાવનગર (મો.૯૯૨૪૩ ૪૩૫૩૬) સંપર્ક થઇ શકે છે.

લેખક

- અશ્વિન ભુવા 

મો ૮૩૨૦૫૫૬૦૧૨ ૯૪૨૮૮૮૯૫૬૦

(3:49 pm IST)