Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.ની ૨૦૦મી સ્વર્ગારોહણ તિથી નિમિતે કાલથી અઢાર દિવસ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે

ગોંડલ સંપ્રદાય સંસ્થાપક નિદ્રાવિજેતા આચાર્યદેવ : લાઇવના માધ્યમથી યોજાનાર કાર્યક્રમમાં ગોંડલ સંપ્રદાયના સંત-સતીજીઓનું સાંનિધ્ય

રાજકોટ,તા.૧૨: ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક નિદ્રાવિજેતા એકાવતારી આચાર્યદેવ ૧૦૦૮ પૂજય ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની ૨૦૦મી સ્વર્ગારોહણ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન તા. ૧૩ થી ૩૦ અઢાર દિવસ સુધી, ગોંડલ સંપ્રદાયના સંત-સતીજીઓના સાંનિધ્યમાં, લાઇવના માધ્યમે ઉજવવામાં આવશે.

આજે પણ હજારો ભાવિકો માટે શ્રદ્ઘા અને આસ્થાનું કેન્દ્ર બનીને પરમ તત્ત્વ પ્રગટ પ્રભાવક અનુભૂતિ કરાવી રહ્યા છે એવા દાદા ગુરુદેવ આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબ એટલે અપ્રતિમ સંતત્વની સૌરભ પ્રસરાવતુ એક એવું વ્યકિતત્વ હતું જેમણે અનેક પ્રકારની અનુપમ આરાધના કરીને પોતાના સંયમ જીવનને તો દીપાવ્યુ જ હતું, પરંતુ નિરંતર સાડા પાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કરીને નિદ્રા વિજેતા બન્યાં હતાં. તે સમયના રાજવી પરિવાર તેમજ અનેક શ્રાવક-શ્રાવિકાઓના હૃદયમાં પૂજનીય સ્થાન ધરાવતાં પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબે ગોંડલ ક્ષેત્રને ધર્મના કેન્દ્ર સ્થાન સ્વરૂપે જાહેર કરીને કરેલી ગોંડલ સંપ્રદાયની સંસ્થાપના આજે હજારો ભાવિકો માટે ઉપકારક બની રહી છે. એવા પરમ ઉપકારી આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબનું નામ રાજસ્થાનના પુસ્તકાલયમાં સ્થિત 'સિદ્ઘ પાહુડીયા' ગ્રંથમાં એકાવતારી આત્મા સ્વરૂપે આલેખિત કરવામાં આવ્યું છે.

આ મહાન આચાર્યદેવની પ્રત્યક્ષ વિદાયને જયારે ૨૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે ત્યારે ગોંડલ સંપ્રદાયના પૂજનીય શ્રી જશ-ઉત્ત્।મ અને પ્રાણ ગુરુવર્યોના પરિવારના દરેક સંત-સતીજીઓ, સમગ્ર ભારત તેમજ વિદેશનાં મળીને ૧૫૦ થી વધારે શ્રી સંઘો, સેંકડો શ્રેષ્ઠીવર્યો, મહિલા મંડળો, યુવક મંડળો તેમજ દેશ-પરદેશના હજારો ભાવિકો શ્રધ્ધા-ભકિતભાવ સાથે આચાર્યદેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં તત્પરતાથી જોડાઇ જશે.

તા. ૧૩ થી ૩૦ અઢાર-અઢાર દિવસ સુધી સવારના ૮:૩૦ કલાકે ઉજવાતા આ મહોત્સવના વિવિધ આયોજનમાં પૂજય આચાર્યદેવ આદિ સર્વ ગુરુવર્યોનાં ગુણ સમૃદ્ઘ જીવનનો અદભુત પરિચય આપતા કાર્યક્રમની સાથે જૈનેત્ત્।ર ભાવિકોની ધર્મભાવનાનો સન્માન અવસર યોજાશે. એ સાથે જ, દાદાગુરુ પ્રત્યે ભકિતભાવની પ્રસ્તુતિ કરતાં મહિલા મંડળના વિશેષ કાર્યક્રમ સાથે બાળકો માટે વિશેષરૂપે વકતૃત્વ સ્પર્ધા આદિના આયોજન સાથે અનેકવિધ અનેરા કાર્યક્રમમાં જોડાઈ જવા સહુને શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ તરફથી ભાવપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા છે.

(3:48 pm IST)