Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ઈદ સાદગી અને સૌહાર્દપૂર્ણ મનાવજોઃ બાવાણી - કટારીયા

મુસ્લિમ અગ્રણી ફારૂકભાઈ બાવાણી, હબીબભાઈ કટારીયાની યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા એકાદ વર્ષથી કોરોનાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આવા સમયે ધંધા-રોજગાર બંધ થવાથી નાના-રોજમદારો મજુર વર્ગ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને કફોડી હાલતમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે આગામી ઈદની ખુશીનો ત્યાગ કરી સાદગી અને સૌહાર્દપૂર્ણ મનાવવા દર્દભરી અપીલ કરી છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, સમસ્ત આલમ-એ-ઈસ્લામને આગામી ઈદ વિશે પ્રવર્તમાન કઠીન સંજોગોમાં આવેલ ઈદનો તહેવાર ગળે મળવાને બદલે દિલ મેળવવાનો પર્વ બનવો જોઈએ. આ વર્ષ પુરતા બીનજરૂરી નવી ખરીદી ટાળી સાદગીપૂર્ણ રીતે ઉજવવી જોઈએ. તમામ સમાજના, આડોશ-પાડોશના, સગા-સંબંધીઓના ગરીબ, મધ્યમવર્ગીય જરૂરતમંદો માટે દિલોમાં સંવેદના ઉત્પન્ન કરી તેમની જરૂરતોને નજર સમક્ષ રાખી પરસ્પરના વાદ-વિવાદ, વિખવાદ તથા ગેરસમજો, સઘળુ ભૂલી ખભ્ભે-ખભ્ભા મિલાવી તમામ લોકો એક ધ્યેય, એક મકસદ સાથે આવા પરિવારોને મદદરૂપ બની આગામી ઈદ મનાવવાની જરૂરત ઉપર ભાર મુકયો હતો.

અલ્લાહ અને એના રસુલ (સલ્લાલ્લાહુ અલયહી વ સલ્લમ)ને પસંદીદા સાદગીને સદા કાળ માટે અપનાવીને આગામી સમયમાં અન્ય ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આનો અમલ કરવા અનુરોધ કર્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગીઓને સાથે રાખી ઈદ માનવશું તો જ આ સંજોગોમાં ઈદની ઉજવણી સાર્થક થયેલ ગણાશે. તેમણે ઉમેર્યુ હતું કે ખરો આનંદ તો ત્યારે જ આવે જ્યારે પડનારાને ઉગારી લેવામાં આવે. મૌજુદા કપરા સંજોગોમાં સંકળાયેલા તેમજ સમાજના અન્ય આગેવાનોને આગામી ઈદનો પર્વ અત્યંત સાદગી અને સલુકાઈપૂર્વક ઉજવી કોમના જરૂરતમંદોને વ્હારે આવવા વિનંતી કરીએ છીએ તથા અન્યોનો ખ્યાલ રાખી અલ્લાહ રાજી રહે તે પ્રમાણે સાદગી અને સૌહાર્દપૂર્ણ રીતે આગામી રમજાન ઈદને સાદાઈથી ઉજવવા વિનંતી કરીએ છીએ. આ પહેલને સફળ બનાવવા સમસ્ત ઉમ્મતે મુસ્લિમોને વર્તમાન વિકટ સંજોગોને અનુલક્ષીને આગામી રમજાન ઈદ સાદગીપૂર્ણ મનાવવા તથા તમામ સાહેબે માલ લોકોને જરૂરતમંદોની મદદ માટે આગળ આવવા ગુજારીશ કરી હતી. તમામ આલમને આ મહામારીના ભરડામાંથી મુકત થવા પરવરદિગાર પાસે આ મુબારક પર્વ નિમિતે દુઆ ગુજારવા અપીલ કરી હતી.

આ ઉપરાંત સદર સુન્ની મુસ્લિમ આમ કમીટીના પ્રમુખ રફીકભાઈ દલવાણી, ઈરફાન ઠેબા, ઈસ્માઈલભાઈ કુરેશી, હબીબભાઈ કટારીયા, યાકુબભાઈ ભાણ અને રફીકબાપુ સૈયદએ બીજી લહેરને કારણે સંક્રમણની ભીતિ હોય, ગુજરાત સરકાર દ્વારા વધારે માણસો ભેગા કરવાની પરવાનગી ન હોવાથી સદર ઈદગાહ પર ઈદની નમાજ અદા કરવામાં આવશે નહી તેમ દરેક મુસ્લિમ બિરાદરોએ નોંધ લેવા જણાવેલ છે.

(3:09 pm IST)