Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજકોટ શહેર-જીલ્લામાં ઓકસીજન પ્લાન્ટના ઢગલા થશે સિવીલમાં ૧૦ ટનનો ૬ કરોડનો પ્લાન્ટઃ ૪ ધારાસભ્યોએ ગ્રાંટ વાપરી

મુખ્યમંત્રી, ગોવિંદભાઈ, અરવિંદ રૈયાણીએ ૧ાા - ૧ાા કરોડ તો લાખાભાઈ સાગઠીયાએ ૧ કરોડ ગ્રાંટમાંથી આપ્યા... : આ માટે સ્ટેટ લેવલથી ટેન્ડર બહાર પડશેઃ ગોંડલ, કોટડા, લોધીકા, કુવાડવા, સરધાર, પડધરી, જેતપુર, જામકંડોરણામાં ધારાસભ્યો-મંત્રીઓની ગ્રાંટમાંથી પ્લાન્ટ થશે : ધોરાજી, જસદણ, ઉપલેટા અને રાજકોટની પદ્મકુંવરબામાં ભારત સરકાર ઓકસીજન પ્લાન્ટ સ્થાપશેઃ અમરાપુર-વિંછીયા પણ આવરી લેતુ તંત્ર

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ શહેર-જીલ્લામાં ઓકસીજન પ્લાન્ટના ઢગલા થશે. રાજકોટમાં સિવીલ હોસ્પીટલમાં ૧૦ નવા ઓકસીજન પ્લાન્ટ યુધ્ધના ધોરણે તૈયાર થશે. આ પ્લાન્ટ કુલ ૬ કરોડનો અને ૧૦ ટનનો હશે તેમ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યુ હતુ. સિવીલના આ પ્લાન્ટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની ગ્રાંટમાંથી ૧ાા કરોડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી બન્નેના ૧ાા કરોડ તથા લાખાભાઈ સાગઠીયાની ગ્રાંટમાંથી ૧ કરોડ વપરાશે. આ માટે સ્ટેટ લેવલથી ખાસ ટેન્ડર બહાર પડશે.

આ ઉપરાંત ગોંડલ સરકારી હોસ્પીટલમાં ૫૦૦ લીટરના પ્લાન્ટ માટે અને કોટડાસાંગાણી ખાતેના પ્લાન્ટ માટે ગોંડલ ધારાસભ્ય શ્રી ગીતાબાએ ૫૦ લાખ તો એસબીઆઈએ ૩૮ લાખની જાહેરાત કરી છે.

આ ઉપરાંત લોધીકા, કુવાડવા, સરધાર અને પડધરીમાં ૨૫૦ લીટરના પ્લાન્ટ માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ૪૦ લાખ પોતાની ગ્રાંટમાંથી ફાળવ્યા છે.

આ ઉપરાંત પૂરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાની ગ્રાંટમાંથી જેતપુર સરકારી હોસ્પીટલમાં અને જામકંડોરણા સરકારી હોસ્પીટલમાં આરડીસી બેંકના સહયોગથી પ્લાન્ટ સ્થપાશે, જ્યારે ધોરાજી, જસદણ, ઉપલેટા અને રાજકોટની પદ્મકુંવરબા હોસ્પીટલમાં ભારત સરકારની ડીઆરડીઓ બ્રાંચ પ્લાન્ટ નાખશે, તો અમરાપુર-વિંછીયામા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ગ્રાંટમાંથી પ્લાન્ટ નખાશે.

રાજકોટમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા  દર્દીઓને પૂરતા પ્રમાણમાં- અવિરતપણે  ઓકિસજન- પ્રાણવાયુ મળતો રહે તે માટે મુખ્યમંત્રી શ્રી  વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ  શહેર-ગ્રામ્યના ચારેય ધારાસભ્યોશ્રીઓની ગ્રાન્ટમાંથી વધુ ૧૦ નવા ઓકિસજન પ્લાન્ટ યુદ્ઘના ધોરણે  સિવિલ હોસ્પિટલ- રાજકોટમાં કાર્યરત કરાશે.

ગુજરાતમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા  એક પણ દર્દીને ઓકિસજનની ઘટ ન પડે  તેવા સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ શહેર- પૂર્વના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે તેમને મળતી વાર્ષિક ગ્રાન્ટના તમામ રૂ. ૧.૫૦-૧.૫૦ કરોડ એમ કુલ રૂ. ૪.૫૦ કરોડ જયારે  રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયાએ રૂ. ૧ કરોડ  એમ કુલ રૂ. ૫.૫૦  કરોડની ફાળવણી  ૧૦ નવા ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા માટે કરી છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયાએ તેમની ધારાસભ્ય તરીકેની બાકી રહેતી  બચત ગ્રાન્ટ તેમના મત વિસ્તારમાં આવતા CHC અને PHC માટે ફાળવી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ  ૬ મેના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોરોના કોવિડ-૧૯ નિયંત્રણ- સારવારના અઘતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજયના દરેક ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા ૫૦ લાખની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે.

જેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી રૂપાણી સહિત રાજકોટ શહેર-ગ્રામ્યના ભાજપના  તમામ ચારેય ધારાસભ્યોએ તેમની ગ્રાન્ટમાંથી રાજકોટ   સિવિલમાં ૧૦ નવા ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા ફાળવવાની જાહેરાત કરી છે.

(2:55 pm IST)