Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

તમારા ઘર સુધી પહોંચતા દુધની રોમાંચક સફર

પશુ દોહનથી માંડીને કંઇ કેટલાય હાથોમાં ફરી, કેટલીયે પ્રક્રીયાઓમાં પાર ઉતરી, કેટલીયે લાંબી મઝલ કાપ્યા પછી દુધ તમારા મોં સુધી પહોંચતુ હોય છે

કોઇપણ વ્યકિત હોય સવારની શરૂઆત તો ચા, કોફી, બોર્નવીટા કે સ્વીટ દુધથી જ થતી હોય છે. ચા હોય કોફી હોય કે બોર્નવીટા હોય દુધ વગર ન બને. આમ 'દુધ' આપણા સૌની સવાર સુધારનારૂ ખુબ ઉપયોગી પીણું બની રહ્યુ છે. એટલે જ તો દુધને અમૃતની ઉપમા અપાઇ છે.

પણ શું તમને ખબર છે કે તમારી સવાર સુધારનારૂ આ દુધ તમારા સુધી પહોંચતા પહોંચતા કંઇ કેટલી લાંબી સફર ખેડી ચુકયુ હોય છે?

દુર અંતરીયાળ નાના એવા ગામડાઓમાં ગાય કે ભેંસ જેવા દુધાળા પશુઓની દોહન ક્રિયાથી દુધ મેળવવાની શરૂઆત થાય છે. બાદમાં જે તે પશુપાલક આ દુધને પોતાના ગામની દુધ મંડળીમાં કે પછી જાતે જ મોટા શહેર સુધી પહોંચાડે છે. બસ, ટ્રેન કે ખાનગી વાહન મારફત કે ડેરીના વાહન દ્વારા આ દુધ મોટા શહેરોમાં પહોંચ્યા પછી પણ સીધુ જ તમારા ઘર સુધી પહોંચતુ નથી. તેના ઉપર કંઇ કેટલીએ પ્રક્રીયાઓ થાય છે.

ફેટ ઉતારવાથી લઇને શુધ્ધીકરણ સુધીના કાર્યો થાય છે. ગામો ગામથી આવતા દુધના કેન મોટા શહેરના કોઇ એક સ્થળે એકત્ર થાય છે. એમ જ માનો ને કે દુધ બજાર ભરાય છે. જયાં દુધ વેંચનાર અને ખરીદનારાઓનો મેળાવડો જામે છે.

દુધ પરખ શકિત ધરાવનારાઓ હાથના આંગળાના ત્રણ ચાર વેઢા સુધીનો ભાગ દુધમાં ડબોરીને કહી દયે છે કે આ દુધનું મુલ્ય શું આવી શકે. આમ તો હવે ફેટ કાઢવાના મશીન આવી જ ગયા છે. છતા અનુભવી લોકો વગર મશીને દુધની મુલ્યાતા આંકી શકતા હોય છે. આ રીતે દુધના માલીકની અદલા બદલી થાય છે. મતલબ દુર ગામડાના પુશ પાલકના હાથમાંથી શહેરી દુધ વિતરકના હાથમાં દુધ આવે છે.

બાદમાં આ દુધના ફેટ ઉતારવામાં આવે છે. અલગ અલગ ફેટવાળા દુધના અલગ અલગ ભાવો નકિક કરવામાં આવે છે. પછી જેતે વિસ્તારના વિતરકોને આપવામાં આવે એટલે તેઓ નિયત બાંધેલા પોતાના ગ્રાહકોના ઘરે ઘરે દુધ પહોંચાડે છે.

દુર અંતરીયાળ ગામડામાં બોઘેણા કે બરણીઓ ભરાયને ભેગુ થતુ દુધ બાદમાં મોટા કેનમાં અને ત્યાંથી મોટા ટ્રક સુધીની સફર ખેડે છે. બસ અને ટ્રેનની વહેલી સવારની ટ્રીપમાં પણ આવા દુધના કેન ચડાવવામાં આવતા હોય છે.

ગામડેથી આ રીતે આવતા દુધનો એક મોટો જથ્થો શહેરની ડેરીઓ સુધી પણ પહોંચતો હોય છે. ખાનગી ડેરીઓમાં પણ આ દુધ પહોંચે છે અને  દુધ મંડળીઓની મુખ્ય ડેરી ખાતે પણ પહોંચે છે.

જે રીતે આણંદની અમુલ ડેરી વિશ્વ વિખ્યાત છે તે રીતે રાજકોટની ગોપાલ ડેરી ખુબ જાણીતી છે. એજ રીતે સાબર, બનાસ, માહી, મધર ડેરી પણ દુધના વ્યવસાયમાં છે. ત્યાં તમે મુલાકાત લ્યો તો દુધની નદી વહેતી હોય તે રીતે નાની નાની કેનાલો દ્વારા કે મસમોટી પાઇપ લાઇન દ્વારા દુધ એક વિભાગમાંથી બીજા વિભાગમાં પસાર થતુ જોવા મળે છે. એક અંદાજ મુજબ દરરોજ લાખો લીટર દુધ એકત્ર થાય છે. બાદમાં આ દુધને પાઉચમાં કે બોટલોમાં પેક કરવામાં આવે છે.

દૈનિક વિતરણ માટેના દુધને અલગ કર્યા બાદ વધતા દુધમાંથી દહીં, છાશ, માખણ અને એ રીતે છેવટે ઘી બનાવવામાં આવે છે.

ખાનગી ડેરીઓમાં જે દુધ પહોંચે છે તેનો ઉપયોગ પેંડા, બરફી, શીખંડ જેવી વિવિધ મીઠાઇઓ બનાવવા માટે થાય છે.

આમ દુધ દોહવાની ક્રિયાથી લઇને તમારા સુધી પહોંચવા સુધીમાં કંઇ કેટલીયે પ્રક્રીયામાંથી પસાર થઇ જાય છે. પશુપાલકથી લઇને તમારા દુધ વિતરક સુધી પહોંચતા પહેલા આ દુધ અનેક હાથોમાં ફરી ચુકયુ હોય છે.

આટલી લાંબી ચેનલ પાસ કરીને તમારા સુધી પહોંચતા દુધની શુધ્ધતા ઉપર શંકા કરો તોય શું કામનું ! કયાં કોણે ફેટ ઉતારી લીધા કે કયાં કોણે પાણી ઉમેરી દીધુ એનો તાગ મેળવવા જાવ તો પાર ન જ ઉતરી શકો.

ગામડામાં રહેતા લોકોને તો તાજુ દોહવાયેલું દુધ મળી શકે. પરંતુ શહેરમાં રહેનારાઓ માટે આ થોડુ દુષ્કર બની રહે છે. શહેરમાં પશુ સાચવવા કોઇને પાલવે તેમ નથી. વળી જે લોકો શહેરમાં પશુ પાલન કરતા હોય તે લોકો પણ તેમનું દુધ ભરીને ગ્રાહકો સુધી પહોંચતુ કરવાને બદલે ઉપર કહી તે બધી પ્રક્રીયાઓ પતાવ્યા પછી જ ગ્રાહકોના હાથમાં જવા દયે છે.

તો આવી રોમાંચક સફર છે મહામુલા દુધની !

  • વરવી વાસ્તવિકતા : દુધ બધાને જોઇએ છે, પણ પશુધન રાખવા નથી

આ દુધ મેળવવાનો મુખ્ય સ્ત્રોત પાલતુ પશુ હોય છે. દુધ કયાંય ફેકટરીમાં બનતુ નથી. એ તો કુદરતની દેણ છે. ગાય, ભેંસ, બકરી, ઘેંટી, ઉંટડી સહીતના સસ્તન પશુઓ દુધ આપે છે. પરંતુ વરવી વાસ્તવીકતા એ છે કે આજે દુધ બધાને જોઇએ છે. પરંતુ પશુ રાખવા કોઇ તૈયાર નથી. પશુ પાલન મહેનત માંગી લેતો વ્યવસાય છે. આવી મહેનત કરવી આજે કોઇને પાલવતી નથી.

  • દુધ વિતરક અને છાપાના વિતરક વચ્ચે ઘણી સામ્યતા : બન્નેની સવાર વહેલી પડે

દુધ વિતરકે પણ બહુ મોટી જવાબદારી વહન કરવાની હોય છે. અહીં છાપાના ફેરીયા અને દુધ વિતરક વચ્ચે થોડી સામ્યતા જોવા મળે છે. દુધ વિતરકે પણ છાપાના ફેરીયાની જેમ ખુબ વહેલી સવારે ઉઠી જવુ પડે છે. સુર્યના કિરણો ધરતી ઉપર રેલાય ત્યાં સુધીમાં તો અનેક ઘરના ઉંબરા ફરીને દુધ પહોંચાડી દેવાતુ હોય છે.

-: લેખન :-

મિતેષ આહીર

(2:27 pm IST)