Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સોમવારથી બહેનો- બાળકો માટે કૂકીંગ કાર્યશાળા

શેફ અમી ગણાત્રા દ્વારા આયોજનઃ વિવિધ શેફ દ્વારા વાનગીઓના લાઈવ વર્કશોપઃ જામ, જેલી, કેન્ડી, અથાણા, સરબતને કેમીકલ વિના કેવી રીતે બનાવી શકાય, ચોકલેટ, સબજી, વિ.આઈટમોની તાલીમઃ પ્રમાણપત્રર પણ અપાશે

રાજકોટ, તા.૧૨: વિવિધ વાનગીઓ ખાવાના શોખીનો તો બધા જ હોય છે પણ તેને સ્વાદિષ્ટ વાનગી પીરસવી તે પણ એક કલા છે અને પાક કલામાં નિપુણતા મેળવવા માટે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત મહિલાઓની સાથે બાળકો માટે શેફ ઈરા રસોઈ સ્ટુડિયોના હેડ અને પદ્મશ્રી સંજીવ કપૂર પાસે જેમણે તાલીમ લીધી છે તેવા શેફ અમી ગણાત્રાના માર્ગદર્શન હેઠળ તા.૧૪ને સોમવારથી તા.૨૨ સુધી ખાસ 'કૂકિંગ કાર્યશાલા'નું આયોજન કરાયું છે. જેમાં નામના ધરાવતા શેફ લોકોને વિવિધ અને કયારેયના શીખી હોય તેવી એકદમ સરળ વાનગીઓ સરળતાથી શિખવશે.

આ અંગે ગુજરાતમાં એકમાત્ર રસોઈ સ્ટુડિયો ધરાવતા શેફ ઈરા રસોઈ સ્ટુડિયોના અમી ગણાત્રાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કૂકિંગ કલાસીસ ખુબ છે પણ મે રસોઈ ક્ષેત્રે ડિગ્રી લીધી છે અને ઉમદા આશયે 'કૂકિંગ કાર્યશાળા'નું આયોજન કર્યું છે. જેમાં તા.૧૪ને સોમવારે મૂળ કોલકત્તાના અને હાલ ખીરસરા પેલેસના હેડ શેફ દેબાનંદ, પંજાબી કયુઝીનની ટ્રેનીંગ આપશે. 'પસંદગી આપકી જલવા હમારા' નામ હેઠળ શિખવા આવેલ મહિલાઓ જે સબજી કહેશે તે ત્યારેજ લાઈવ બનાવી શીખવાડાશે. તા.૧૫ને મંગળવારે વેજ બીરીયાની અને તંદુરનો એજ રીતે વર્કશોપ રહેશે. જયારે તા.૧૬ને બુધવારે એગ્રીકલ્ચર હેડ તેમજ બાગાયત શાસ્ત્રના સહપ્રાદ્યાપક ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા ડો.કારેથા જામ, જેલી, કેન્ડી, અથાણાં અને શરબતને કોઈપણ કેમીકલ વિના કઈ રીતે બનાવી શકાય તેની અનોખી તાલિમ આપશે જેનો પ્રથવાર વર્કશોપ થઈ રહ્યો છે. તા.૧૭ને ગુરૂવારે અમદાવાદ ટીજીબીના માલિક કે જેઓ ખુદ શેફ છે. તેવા શેફ શાલિની ગોપલાની તમામ પ્રકારની એગ લેસ કેક ઘરે કઈ રીતે સહેલાઈથી બનાવી શકાય તેનું લાઈવ નોલેજ આપશે. એટલું જ નહીં તા.૧૮ને શુક્રવારે ૫ વર્ષના બાળકો માટે સૌપ્રથમ વખત કપકેક, હેલ્ધી સલાડ, ચોકલેટ, પ્લેટ ડેકોરેશન, સેન્ડવિચ, નાસ્તા વગેરે કેમ બનાવવા તેની ટ્રેનીંગ બાળકોને આપશે જેથી સ્કૂલમાં યોજાતી કૂકિંગ કોમ્પીટીશનમાં પણ તેઓ ભાગ લઈ શકે. એટલું જ નહિં આ વર્કશોપમાં જે ફૂડ બનશે તે આવેલા લોકોને ત્યાંજ ચાખવા મળશે કે ઘરે પણ લઈ જઈ શકશે. સાથો સાથ ભાગ લેનાર તમામને શેફ કેપ અને રેસીપી કઈ રીતે બનાવવી તેની રીતનું લખાણ પણ અપાશે. આ કાર્યશાળાની વિષેશતા છે. 'હેન્ડ્સ ઓન કૂકિંગ' જેમાં ભાગ લેનારને શીખવાની સાથે તેની પાસે ત્યાંજ વાનગી બનાવવાની પ્રેકિટસ પણ કરાવાશે. જુનિયર શેફ નીખીલભાઈનો પણ સહયોગ મળ્યો છે.

આ ઉપરાંત તા.૨૨ના રોજ ૭ વર્ષનો હોટલ ક્ષેત્રે અનુંભવ ધરાવતા શેફ જલ્પાબા ડોડિયા દ્વારા ઈટાલિયન, મેકિસકન અને થાઈ વાનગીનો વર્કશોપ પણ આયોજીત કરાયો છે. રસોડાથી રંગમંચ સુધી પહોંચવા આ કૂકિંગ કાર્યશાળામાં ભાગ લેવા અને નામ નોંધણી માટે અમી ગણાત્રા મો.૮૫૧૧૧ ૫૪૬૫૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:21 pm IST)