Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ટ્રાન્સફયુઝન સેન્ટરનો પ્રારંભ

 ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજકોટ જીલ્લા શાખા સંચાલીત થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે આર્શિવાદ સમાન બ્લડ ટ્રાન્સફયુઝન સેન્ટર 'વિશ્વ રેડ ક્રોસ દિવસ' તેમજ 'વિશ્વ થેલેસેમીયા દિવસ' ના રોજ કાર્યરત થયેલ છે. ઉદઘાટન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી વિશ્વવેશ્વરતિર્થ તથા ર્નિદોષમુર્તિ સ્વામીશ્રી અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની તથા સિવીલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ ડો.મનિષ મહેતા હસ્તે થયેલ છે. કેન્દ્રના ઉદઘાટનમાં રેડ ક્રોસ કારોબારીના સદસ્યો, અગ્રણી ડોકટર્સ, સમાજના અગ્રણી સભ્યો, રકતદાન શિબીરનું આયોજન કરતા સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને વિના મુલ્યે રકત આપવામાં અને બાળકોના નિષ્ણાંત ડોકટરની ઉપસ્થિતિમાં રકત ચડાવી આપવામાં આવશે. થેલેસેમીયા રોગ આનુવંશીક છે અને તે મટે તેવો નથી. વારંવાર રકત આપવું એ એક માત્ર ઉપચાર છે, આ રોગને અટકાવવો એ માત્ર ઉપાય છે. આ કેન્દ્ર ખાતે થેલેસેમીયા રોગનું નિદાન, થેલેસેમીયા ન થાય તે માટે કાઉન્સેલીંગ, થેલેસેમીયા ગ્રસ્ત બાળકને રકત ચડાવવું, બાળકની શારિરીક તપાસ, શરીરના અન્ય અંગોના રકતનો રીપોર્ટ કરવા, ચીલેશન થેરાપીમાં સહાયભુત થવું વગેરે એક જ સ્થળે થઇ શકશે. રજીસ્ટ્રેશન માટે બાળકના બે સ્ટેમ્પ સાઇઝ ફોટોગ્રાફ,  તમામ રીપોર્ટ સાથેની ફાઇલ (થેલેસેમીયા અને એચ.આઇ.વી. રીપોર્ટ સાથે), માતા-પિતાના થેલેસેમીયા રીપોર્ટ, આધારકાર્ડની નકલ, બી.પી.એલ. કાર્ડ (જો હોય તો) થેલેસેમીયા બ્લડ ટ્રાન્સફયુઝન અને રીસર્ચ સેન્ટર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, રાજકોટ જીલ્લા શાખા, રેડ ક્રોસ બિલ્ડીંગ, કુંડલીયા કોલેજની બાજુમાં, સુચક રોડ, રાજકોટ ફોન નં.૦૨૮૧-૨૪૬૪૯૪૨ મો.૯૭૨૭૭ ૦૭૭૨૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૨૩.૯)

(3:55 pm IST)