Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સેઇફસીટી માટે પસંદગી

રાજકોટની તીસરી આંખ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકીઃ એવોર્ડ

સ્માર્ટ સિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એકઝીબીશન્સ દ્વારા આઇ-વે પ્રોજેકટની પસંદગીઃ ડો. જૈમન ઉપાધ્યાય અને બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ તા. ૧૨ : કેન્દ્ર સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશન હેઠળ ઝડપથી વિકાસ પામી રહેલા શહેરોની અવનવી સુવિધાઓ અભ્યાસનો વિષય બનેલ છે ત્યારે રાજકોટ શહેર પણ તેની આધુનિક ઢબની પ્રગતિના પરિણામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા હાંસલ કરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટને સેઇફ અને સિકયોર સિટી બનાવવા કાર્યરત કરેલા 'રાજકોટ આઇ-વે પ્રોજેકટ'ને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું છે. સ્માર્ટ સિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એકિઝબીશન્સ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સેઇફ સિટી એવોર્ડ ઓફ સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એવોર્ડઝ-૨૦૧૮ માટે રાજકોટના આઇ-વે પ્રોજેકટની પસંદગી કરી છે, તેમ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ જાહેર કર્યું છે.

આ અંગે મેયરશ્રી અને કમિશ્નરશ્રીએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એવોર્ડઝ-૨૦૧૮ના સેઇઝ સિટી એવોર્ડની કેટેગરીમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલિસના 'આઇ-વે પ્રોજેકટ'ની ભરપૂર સરાહના કરવામાં આવી છે. આગામી તા. ૨૫ મેના રોજ પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજાનારા ખાસ કાર્યક્રમમાં રાજકોટ શહેરને આ એવોર્ડથી ગૌરવાંકિત કરવામાં આવશે.

નેશનલ લેવલે વિજેતા બનેલા રાજકોટ આઇ-વે પ્રોજેકટ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કામાં આશરે ૪૭૫ જેટલા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કર્યા હતા અને તેના મોનિટરીંગ ઓપરેશન માટે વિશાળ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કાર્યરત કર્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં પણ એટલી જ સંખ્યામાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થઇ રહ્યા છે, અને આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ થઇ જશે. રાજકોટ આઇ-વે પ્રોજેકટ શહેરની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ, ટ્રાફિકની સ્થિતિ, મહાનગરપાલિકાની વિવિધ સેવાઓનું મોનિટરીંગ વગેરેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમ પણ મેયરશ્રી અને કમિશનરશ્રીએ જણાવ્યું હતું.(૨૧.૨૩)

(4:48 pm IST)