Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સતત આરોગ્યના દરોડાઃ ૩૭૦ કિલો કેરી - કેમીકલની ૫૦ પડીકીનો નાશ

શહેરના વિવિધ વિસ્તારમાં બીજા દિવસે ૬ ગોડાઉનમાં ચેકીંગઃ સડેલા ફ્રુટનો નાશ કરવા ૩ વેપારીને નોટીસ

રાજકોટ તા. ૧૨ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ વર્ષે કેરી મોડી આવતા અને વધુ માંગ વધતા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્બાઇડથી કેરી પકવીને વેચવાનું મોટું કારસ્તાન શહેરમાં ચાલી રહ્યું છે. જે અન્વયે કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારમાં ૬ સ્થળોએ કેરીના ગોડાઉનમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન ૩૭૦ કિલો કાર્બાઇડયુકત કેરી તથા ૫૦ ચાઇનીઝ કેમીકલ પડીકીનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડના જણાવ્યા પ્રમાણે આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા સતત બીજા દિવસે કેરીના વેચાણ કેન્દ્રો તથા ગોડાઉનમાં કૃત્રિમ રસાયણથી પકવાતી કેરી અંગે સઘન ચકાસણી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે કુલ ૬ જગ્યાએ ચકાસણી હાથ ધરેલ હતી. જેમાં જયદીપ મેંગો ફાર્મ, સોહમ કોમ્પલેક્ષ રવિરત્ન મેઇન રોડ શ્રી સીઝન સ્ટોર, ઉમિયાજી કેરી ભંડાર, રિધ્ધી એપાર્ટમેન્ટ પાછળ, યુનિવર્સિટી રોડને રજીસ્ટ્રેશન મેળવવા અંગે નોટીસ આપેલ તથા હંસરાજ ફાર્મ રિધ્ધી એપાર્ટમેન્ટ પાછળ યુનિવર્સિટી રોડમાંથી સડેલા ફ્રુટનો સંગ્રહ કરવો નહી તેમજ નિયમિત ચકાસણી કરવા બાબતે નોટીસ આપેલ છે. જ્યારે આઇશ્રી ખોડીયારમાં ફ્રુટ સેન્ટર, સુંદરમ એપાર્ટમેન્ટ યુનિવર્સિટી રોડમાંથી ૧૩૦ કિલો કેરીનો નાશ કરેલ છે તેમજ સડેલા ફ્રુટનો અલગથી નાશ કરવા બાબતે નોટીસ આપેલ છે. ગોલ્ડન કેરી ભંડાર રીધ્ધી એપાર્ટમેન્ટ પાછળ યુનિવર્સિટી રોડ પરથી સડેલા ફ્રુટનો સંગ્રહ ન કરવા બાબતે નોટીસ આપેલ છે. ઉમિયાજી સીઝન સ્ટોર, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડમાંથી કેમીકલથી પકવેલ ૨૪૦ કિલો કેરીનો નાશ તેમજ ચાઇનીઝ કેમીકલ પડીકી - ૫૦નો નાશ કરવામાં આવ્યો હતો. આજે દરોડામાં કુલ ૩૭૦ કિલો કાર્બાઇડયુકત કેરી તથા ૫૦ ચાઇનીઝ કેમીકલ પડીકીનો નાશ કરેલ છે.

આ તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીની સુચનાથી આરોગ્ય અધિકારી ડો. પંકજ પી. રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફિસર અમિત પંચાલના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેકટરો દ્વારા કરવામાં આવેલ હતી.(૨૧.૨૨)

(3:50 pm IST)