Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

તુમ જો મીલ ગયે હો... આજે રાત્રે જૂના - નવા ગીતોનો રસથાળ

સપ્તસૂરના સંગાથે 'માઈલસ્ટોન મેલોડીઝ': ગાયકો અશ્વિની મહેતા - આસિત સોનપાલ - પ્રવિણકુમાર પરમાર ગીતોની રમઝટ બોલાવશેઃ રાજકોટીયનો જૂના ગીતોના ભારે શોખીન : અશ્વિની મહેતા : નવા કે જૂના કોઈપણ ગીત કયાંકને કયાંક મહત્વના હોય છેઃ આસિત સોનપાલ : સંગીત મારા રગેરગમાં વસે છે : પ્રવિણકુમાર પરમાર * ઉદ્દઘોષક તરીકે મીનલ સોનપાલ : સંગીતપ્રેમીઓ ઉમટી પડજો

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગાયકો સર્વેશ્રી અશ્વિની મહેતા, આસીત સોનપાલ, પ્રવિણકુમાર પરમાર, ઉદ્દઘોષક મિનલ સોનપાલ અને ઉમાબેન ભીંડે નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ : આ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે આજે શનિવારે રાત્રીના હેમુગઢવી હોલ ખાતે 'માઈલ સ્ટોન મેલોડીઝ' શિર્ષક હેઠળ જૂના - નવા ગીતોનો એક શાનદાર કાર્યક્રમ યોજાયો છે.

કાર્યક્રમના ગાયક કલાકારો આજે બપોરે ''અકિલા''ના આંગણે આવેલા જેમાં આશા ભોંસલે ફેઈમ અશ્વિની મહેતાએ જણાવેલ કે રંગીલા રાજકોટીયનો જૂના ગીતોના ખૂબ જ શોખીન છે. સંગીતક્ષેત્રે ઉંડી સમજ ધરાવે છે. તેઓએ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચૂકયા છે.

મુળ જામનગરના રફીદા ફેઈમ પ્રવિણકુમારે કહ્યું કે મારી રગેરગમાં સંગીત સમાયેલુ છે. નાનપણથી જ રફી સાહેબના ગીતો સાંભળતો જે શોખ બની ગયો. મારા પિતા પણ રફીના ગીતો ગાતા. જેના પગલે આજે હું પણ રફીદાના જ ગીતો ગાઉ છું. મેં પ્રોફેશ્નલ તરીકે મારી કારકિર્દીની શરૂઆત રાજકોટથી જ કરી હતી.

આ તકે નોટરી આસીત સોનપાલે જણાવેલ કે હું પણ નાનપણથી જ કિશોરકુમાર ગીતો ગાતો. તેમણે એક વાત કહેલ કે કોઈપણ ગીત દરેક માટે કયાંકને કયાંક મહત્વના હોય છે. તેઓને ગીટાર વગાડવાનો પણ શોખ છે. આસીતભાઈએ કિશોરદાનું ચલા જાતા હું કિસી કી ધૂન મેં ગીત ગાઈને જમાવટ કરી હતી.

રાજકોટના ખ્યાતનામ મ્યુઝીક એરેન્જર તુષાર ગોસાઈ સંગીત ક્ષેત્રે સારી નામના ધરાવે છે. તેઓ મ્યુઝીક એરેન્જ કરશે તેમની સાથે તબલા નવાઝ દિલીપભાઈ ત્રિવેદી (કાકા), મિતુલ ગોસાઈ (એકટોપેડ), હિતેશ મહેતા (ગીટાર), સચિન શર્મા (બેઈઝ ગીટાર), જુલિયસ (કોંગો), ભારત ગોહેલ (ઢોલક), રાજેશ ત્રિવેદી (ડ્રમ), પ્રકાશભાઈ વાગડીયા (સાઈડ રીધમ), તમામ ગીતો સંગીત બધ્ધ કરશે. આ સંગીતના ભવ્ય કાર્યક્રમમાં સંચાલન રાજકોટના એડવોકેટ મીનલ સોનપાલ કરશે.

આ કાર્યક્રમને માણવા ટીકિટ માટે સંપર્ક ઓફીસઃ ૧૦૨ આદિત્ય સેન્ટર, ફૂલછાબ ચોક ખાતે સાંજે ૬ થી ૮ સમય દરમિયાન કરવા વધુ માહિતી માટે  મો.ં૯૯૭૯૦ ૩૫૮૬૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:47 pm IST)