Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રાજકોટના અતુલ રાઠોડે મામલતદાર હોવાની ઓળખ આપી જસદણની પેઢીને ૪૧ લાખનો ચુનો લગાડયો

૭૧ લાખના ઘઉં ખરીદી ર૪ લાખ આપ્યા બાકીના રૂપીયાની ઉઘરાણી થતા ધમકી આપીઃ વસંત બ્રધર્સના અશ્વીન કુમારની ફરીયાદ

રાજકોટ, તા., ૧રઃ જસદણની ઘઉંની પેઢીને રાજકોટના યુવાને મામલતદાર હોવાની ઓળખ આપી ૪૧ લાખનો ચુનો લગાડી દેતા પોલીસમાં છેતરપીંડીની ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ યાર્ડમાં વસંત બ્રધર્સના નામે પેઢી ધરાવતા અશ્વીનકુમાર શાંતિલાલ લોહાણાએ આરોપી અતુલ ભીખુભાઇ રાઠોડ (રહે. પરસાણાનગર, રાજકોટ) સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત ફેબ્રુઆરી માસમાં અતુલ રાઠોડે જસદણ યાર્ડમાં ફરીયાદીની દુકાને આવી પોતે મામલતદાર હોવાની ઓળખ આપી હતી અને ફરીયાદીને વિશ્વાસમાં લઇ ૭૧.૯૧ લાખના ૧૮૪ર૦ મણ ઘઉંની ખરીદી કરી હતી. આ રકમ પૈકી ર૪ લાખ રૂપીયા આરોપીએ રોકડા અને ચેકથી ફરીયાદીને આપી દીધા હતા. બાકીના ૪૧.૪૧ લાખની ફરીયાદીએ ઉઘરાણી કરતા આરોપી ખોટા વાયદા આપતો હતો. દરમિયાન ફરીયાદીએ ફરી ઉઘરાણી કરતા આરોપીએ ફોન પર પતાવી દેવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે રાજકોટના અતુલ રાઠોડ સામે આઇપીસી ૪૦૬, ૪ર૦ તથા પ૦૭ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)