Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વૃધ્ધાનું મકાન વેંચી મારનાર ચીટર ટોળકી- ખરીદાર સકંજામાં: હત્યા કર્યાનો ઇન્કાર

હત્યાનો ભોગ બનનાર જયશ્રીબેન શુકલનું માસ્તર સોસાયટીનું રહેણાંક મકાન તેમની જાણ બહાર બોગસ દસ્તાવેજથી કોળી શખ્સને ચાલીસેક લાખમાં વેંચી દેવાયુ હતું: વાંકાનેરના મુસ્લિમ અને દરબાર શખ્સની ચીટર ટોળકીએ રજીસ્ટ્રાર સમક્ષ જયશ્રીબેનના બદલામાં બીજી મહિલાને ખડી કરી તેમનું બોગસ ચુંટણી કાર્ડ બનાવી દસ્તાવેજ કરાવ્યો હતો : બાજુની મિલ્કતના સીટી સર્વે નંબર દર્શાવી વૃધ્ધાના મકાનના ફોટો સાથેનો બોગસ દસ્તાવેજ બનાવ્યાની કબુલાતઃખરીદાર કોળી શખ્સે ૮ લાખ ચીટર ટોળકીને ચુકવી દીધા હતાઃ બાકીના નાણા ગાંડી વૃધ્ધા ઘુસી ગઇ છે તેને બહાર કાઢે ત્યારે ચુકવવાનો વાયદો કરેલોઃ ભકિતનગર પીઆઇ વી.કે.ગઢવીના નેજા તળે સતત આગળ ધપતી તપાસ

રાજકોટ, તા., ૧રઃ સોરઠીયા વાડી સર્કલ નજીક આવેલી માસ્તર સોસાયટીમાં એકલવાયું જીવન જીવતા ૮પ વર્ષીય વૃધ્ધા જયશ્રીબેન શુકલની તેમના જ મકાનમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાનો તાગ મેળવવા સક્રિય બનેલી ભકિતનગર પોલીસે વૃધ્ધાના મકાનનો દસ્તાવેજ બારોબાર ચીટર ટોળકીએ ખરીદાર શોધી કરી નાખ્યાનું શોધી કાઢયું છે. જો કે, બોગસ દસ્તાવેજ ઉભો કરનાર ટોળકી કે મકાનના ખરીદાર વૃધ્ધાની હત્યા વિષે કશું જાણતા નહિ હોવાનો કક્કો ઘુંટતા હોવાથી પોલીસ પણ દ્વિધામાં મુકાઇ ગઇ છે.

પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવીએ જણાવ્યું કે, ર૦૧ર-૧૩ થી ચીટર ટોળકીનો ડોળો વૃધ્ધાની મિલ્કત પર ઠર્યો હતો. તેમની જાણ બહાર ર૦૧૭માં રણજીત કોળી નામની વ્યકિતને મકાન બારોબાર બતાવી ચાલીસેક લાખમાં સોદો ઉભો કર્યો હતો. ત્યાર બાદ ચીટર ગેંગના સરદાર એવા વાંકાનેરના મુસ્લીમ અને દરબાર ભેજાબાજોએ સીટી સર્વે અને રજીસ્ટ્રાર ઓફીસમાં તદ્દન ખોટા ડોકયુમેન્ટ રજુ કરી જયશ્રીબેનનો વેચાણ દસ્તાવેજ રણજીત કોળીના નામે રજીસ્ટર્ડ કરાવી લીધો હતો. આ શખ્સોએ રજીસ્ટ્રાર ઓફીસમાં જયશ્રીબેનની જગ્યાએ બીજી કોઇ મહિલાને મકાનના માલીક તરીકે રજુ કરી હતી. આ માટે જયશ્રીબેન શુકલનું ખોટુ ચુંટણીકાર્ડ બનાવી આ કાર્ડમાં ડમી મહિલાનો ફોટો સેટ કરી દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવ્યાનું ખુલ્યું છે.

વાંકાનેરની ટોળકી, જયશ્રીબેનના ડમી મહિલા અને ખરીદાર રણજીત કોળી તેમજ વચેટીયાઓ સહિત ર૪ જેટલી વ્યકિતની છેલ્લા ર૪ કલાકથી સતત પુછપરછ ચાલી રહી છે. આ દરમિયાન વૃધ્ધાનું મકાન બારોબાર વેંચી મરાયાનો કારસો તો ખુલ્યો. પરંતુ તેમની હત્યા કોણે કરી? તેનો જવાબ મેળવવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી.

 પોલીસની ઉલટ તપાસ હજુ પણ ચાલી રહી છે. નજીકના સમયમાં હત્યાનો ભેદ પણ ઉકેલાઇ જાય તેવી આશા સાથે પોલીસ ઉંડી ઉતરી રહી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા નિવૃત શિક્ષિકા જયશ્રીબેન શુકલા (ઉ.વ.૮પ)ના ઘરમાંથી દુર્ગંધ આવતા તેમના પાડોશીઓએ આમ્રપાલી વિસ્તારમાં રહેતા તેમના ભાઇને જાણ કરી હતી. તેઓએ દોડી આવી તપાસ કરતા જયશ્રીબેનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પાછળથી પોર્સ્ટ મોર્ટમમાં તેમની હત્યા ગળુ કાપી કરવામાં આવ્યાનું ખુલ્યું હતું. છેલ્લા થોડા સમયથી માનસીક રીતે બિમાર વૃધ્ધાને ચોરી-લુંટના ઇરાદે પતાવી દેવાયા? કે ભુતકાળમાં વડીલોપાર્જીત મિલ્કત સંદર્ભે ઉદભવેલા વિવાદમાં ઘરની જ કોઇ વ્યકિત ઘાતકી બની? તે મુદ્દે તપાસ આગળ ધપી રહી હતી. એ દરમિયાન મિલ્કત બોગસ દસ્તોજથી બારોબાર વેચાયાનું સપાટી પર આવ્યું હતું. ખરીદનારને ઉઠાવી લેવાયા બાદ તેની પુછપરછમાં વાંકાનેરની ચીટર ટોળકીનું પગેરૂ મળ્યું હતું. હવે હત્યા કોણે કરી? કરાવી? તે મુદ્દો પોલીસ માટે મહત્વના કોયડારૂપ બની ગયો છે. (૪.૨૧)

(3:51 pm IST)