Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોરોના કાળમાં રામનાથપરા સ્‍મશાને અસ્‍થિકુંભના કબાટ હાઉસફુલ : નવી વ્‍યવસ્‍થા કરવી પડી

પરિવારજનો અસ્‍થિ વિસર્જન માટે પણ ભયભીત થઇ રહ્યો હોય સ્‍મશાન ગૃહમાં અસ્‍થિકુંભમાં કબાટમાં જગ્‍યા ન રહી : તાત્‍કાલિક નવા કબાટ બનાવવા પડયા

રાજકોટ,તા. ૧૨: હિન્‍દુ સંસ્‍કૃતિમાં માનવીના મૃત્‍યુ બાદ તેની અસ્‍થિઓનું વિસર્જન કરવાની પરંપરા છે. ધાર્મિક માન્‍યતા છે કે, હરિદ્વારમાં અસ્‍થિ વિસર્જન કરવાથી મૃતકને મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્‍યારે ગુજરાતમાં કોરોના કાળમાં સંક્રમણ અને અન્‍ય કારણોથી મોતને ભેટેલા અનેક મૃતકોની અસ્‍થિઓથી કબાટો ઉભરાવા લાગ્‍યા છે. જેનું હજુ સુધી વિસર્જન નથી થઈ શક્‍યું.

કોરોનાના ખૌફથી મૃતકના અગ્નિ સંસ્‍કાર તો કરી દેવામાં આવ્‍યા, પરંતુ તેમની અસ્‍થિઓ હજુ પણ પોટલીમાં પેક કરીને સ્‍મશાન દ્યાટમાં આવેલા કબાટો અને દ્યોડાઓમાં રાખવામાં આવી છે. કોરોનાના ડરના કારણે તેમના સ્‍વજનો આ અસ્‍થિઓ લેવા માટે પણ નથી આવી રહ્યાં.

રાજકોટની વાત કરીએ તો સરગમ ક્‍બલ સંચાલિત રામનાથપરા સ્‍મશાન ગૃહમાં છેલ્લા ૪ મહિનાથી ૫૦૦ જેટલા અસ્‍થિઓ વિસર્જનની રાહ જોઈ રહ્યાં છે. આ સ્‍મશાનગૃહમાં કોવિડ પ્રોટોકોલ મુજબ પ્રતિદિન ૪૦ લોકોના અંતિમ સંસ્‍કાર કરવામાં આવી રહ્યાં છે. કોરોના સંક્રમિત થઈ જવાના ડરને કારણે પરિવારજનો મૃતકના અસ્‍થિ લેવા આપવામાં ક્ષોભ અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના રામનાથપરા સ્‍મશાનગૃહ તરફથી ૨૦૨૦માં ૪ હજાર જેટલા અસ્‍થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવ્‍યું હતું. જયારે હાલ અસ્‍થિઓની સંખ્‍યામાં સતત વધારો થઈ રહ્યો છે. ડોક્‍ટરો પણ અનેક વખત કહી ચૂક્‍યાં છે કે, અગ્નિ સંસ્‍કાર બાદ કોરોના સંક્રમણ નથી ફેલાતું. આમ છતાં લોકો ભયના માર્યા અસ્‍થિઓ લેવા નથી આવી રહ્યાં, ત્‍યારે સૌથી મોટો સવાલ એ છે કે, હાલ જે અસ્‍થિઓ કબાટમાં પડી રહી છે તેમને મોક્ષ ક્‍યારે મળશે?

(4:50 pm IST)