Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કલા ક્ષેત્રના જીવ મોહનલાલ પરમાર અને મંજુલાબેનના લગ્નજીવનની ૭૨મી વર્ષગાંઠ

રાજકોટઃ. લગ્નજીવનની ૭૨મી વર્ષગાંઠ ઉજવતા મોહનલાલ છગનલાલ પરમાર (ઘોઘાભાઈ) કારડીયા રજપૂત સમાજના અગ્રણી અને ૭૦ વર્ષ સમાજના ટ્રસ્‍ટીની નોખી અનોખી વાતો પાંચ દિકરા, બે દિકરી અને ચાર પેઢીને રમાડતા મોહનબાપાનો અને મંજુલાબેનનો ચુમાલીસ જણાનો પરિવાર છે. દાંતનું ચોખઠુ નહીં, આંખમાં નંબર નહી, કાચી કાકડી હોય કે કારેલા ચાવી જાય એવી તંદુરસ્‍તી અને બાણુ વર્ષે પણ રોજ પાંચ કિલોમીટરનુ સાયકલીંગ... આ મોહનબાપા કરે છે.

સૌરાષ્‍ટ્રની પારંપારિક કળાને ઉજાગર રાખવા પોતાનું જીવન સમર્પિત એટલે જ સૌરાષ્‍ટ્ર રાસ મંડળની સ્‍થાપના આજથી ૬૦ વર્ષ પહેલા કરી અને એવી નામના કરી કે કાઠિયાવાડના રાસગરબાને મોરારજીભાઈ દેસાઈ સમક્ષ રજૂ કરતા એમણે પણ ગોલ્‍ડ મેડલથી સત્‍કારી વાહ વાહ કરી...અને ૨૬ જાન્‍યુઆરીની પરેડમાં ઈન્‍દીરાબેન ગાંધીએ મોહનભાઈ પરમારની ટીમને જાતે યાદ કરી બોલાવેલા. ગુજરાત સરકાર દ્વારા બોર્ડર પર બે મહીના મનોરંજન પીરસવા મોકલાયા.

એમના પરમ મિત્ર મનુભાઈ ગઢવીનો સહયોગ મળ્‍યો અને પછી મોહનભાઈ અને મનુભાઈ સાથે ઝવેરચંદભાઈ મેઘાણીના વિચારોને શાશ્વત રાખવા સહુ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્‍મ કસુંબીનો રંગ બનાવ્‍યુ. સૌરાષ્‍ટ્રની સંસ્‍કૃતિ ઉજાગર કરી એ ઉપરાંત સૌરાષ્‍ટ્ર રાજ્‍ય વખતે સંગીત નાટક અકાદમીના સહયોગથી શેતલના કાંઠે વસંધુરાના વહાલા-દવલા જેવી અનેક અર્થપૂર્ણ ફિલ્‍મ બનાવી. આ કાર્યને પ્રોત્‍સાહીત કરવા ફુલછાબના તંત્રી જયમલભાઈ પરમાર અને સૌરાષ્‍ટ્રના સ્‍ટેટ સચિવ હરકાન્‍તભાઈએ મોહનભાઈને અને ટીમને શ્રીલંકા અને રાજસ્‍થાન મોકલ્‍યા અને ત્‍યાં પણ એ સમયે ગોલ્‍ડ મેડલ જીત્‍યા હતાં.

કલાના ચાહક મોહનભાઈ હવે ૯૨ના થયા કલ્‍યાણજી આણંદજી હોય કે આશા પારેખ કે પછી દિલીપકુમાર બધા જ મોહનબાપાને જાણે કારણ કે વર્ષો અગાઉ ગુંજ ઉઠી શહનાઈ..માં વર્ષો પહેલા ટીપણી નૃત્‍ય રજૂ કર્યુ તો શાંતારામની દો આંખે બારાહ હાથ...માં પણ મોહનભાઈએ કળા પીરસી હતી. મુંબઈની મોટી સંસ્‍થા આઈ.એન.ટી.માં કાઠિયાવાડના રાસગરબાને સ્‍થાન અપાવ્‍યું. આજે ઉંમર બાણુની પણ હજુ મોહનબાપાને કોઈ બાપા કહે તો ન ગમે અને બાપા કોઈનો હાથ પણ ન પકડે. જૂના ગીત સંભળાવો તો બાણુ વરહે પણ બાપાનું મન મોર બની થનગાટ કરે.. તેવી સ્‍ફુર્તિ ધરાવે છે.

(5:02 pm IST)