Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સાગર મોટર્સના યુવા સંચાલક પુ‌નિત રૂઘાણી પર હેમુ ગઢવી હોલ નજીક હુમલો

રવિવારે સાંજે પત્નિ-સંતાનો સાથે શેરડીનો રસ પીવા નીકળ્યા ત્યારે ઘટનાઃ પોલીસ આવતાં હુમલાખોર ભાગી ગયાઃ એક બાઇક ચાલકે 'ગાડી કેમ માથે આવવા દીધી' એવું કહી ગાળો દઇ બેફામ મારામારી કરીઃ એક વૃધ્ધ પણ ધોલધપાટમાં સામેલ થયાઃ બાઇકના નંબરને આધારે તપાસ થતાં લાલપુર તરફનું નીકળ્યું

રાજકોટ તા. ૧૨: શહેરમાં નાની નાની વાતે વાહનચાલકો બીજા વાહન ચાલકે સરાજાહેર બાખડી પડી હુમલા કરી કાયદાનું ઉલંઘન કરતાં હોવાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. રવિવારે સાંજે આવો જ એક બનાવ હેમુ ગઢવી હોલથી થોડે આગળ ડોમીનોઝ પીઝા નજીક બન્યો હતો. જેમાં શહેરના જાણીતા સાગર મોટર્સ (ઓટો પાર્ટસ)ના યુવા સંચાલક પુ‌નિત બિપીનભાઇ રૂઘાણીની કારને આંતરી બાઇક ચાલક અને તેની સાથેના શખ્સ તથા બીજા એક વૃધ્ધ સહિતે હુમલો કરી રોડ પર પછાડી દઇ ઢીકાપાટુનો બેફામ માર મારી ગાળો દીધી હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને પોલીસને પણ જાણ થતાં પોલીસ પહોંચી હતી. પણ એ પહેલા હુમલાખોરો ભાગી ગયા હતાં.

પુ‌નિત રૂઘાણીએ બનાવ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે રવિવારે સાંજે આઠેક વાગ્યે હું મારા પત્નિ અને એક પુત્ર તથા પુત્રીને મારી ક્રેટા કારમાં બેસાડી ઘરેથી હેમુ ગઢવી હોલથી આગળ ડોમીનોઝ પીઝા નજીક શેરડીનો રસ પીવા જવા માટે નીકળ્યો હતો. આ વખતે હું હેમુ ગઢવી હોલ નજીક પહોંચ્યો ત્યાં જ બાઇક પર બે શખ્સે આવી મારી કાર આડે નાંખી દેતાં મેં કાર ઉભી રાખી દીધી હતી અને શું થયું તેમ પુછતાં એ શખ્સે મને ગાળો દેવાનું શરૂ કર્યુ હતું. મેં તેને ગાળો દેવાની ના પાડી હતી અને હું નીચે ઉતર્યો હતો ત્યાંજ તેણે મારા પર હુમલો કરી દીધો હતો અને મારકુટ શરૂ કરી હતી.

એટલીવારમાં પાછળથી એક વૃધ્ધ, એક યુવતિ સહિતના પણ આવ્યા હતાં અને આ લોકોએ પણ મને રોડ પર પછાડી બેફામ ગાળો ભાંડી માર માર્યો હતો. એ દરમિયાન મારા વાઇફે નીચે ઉતરી બાઇકની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો અને મારા પિતા બિપીનભાઇ રૂઘાણીને ફોન કરતાં તેમણે તાકીદે પોલીસને જાણ કરતાં જાગનાથ ચોકીના પીએસઆઇ ટી. ડી. ચુડાસમા અને સ્ટાફ તાબડતોબ પહોંચ્યા હતાં. પરંતુ એ પહેલા આ બધા ભાગી ગયા હતાં. બાઇક નંબરને આધારે અમે તપાસ કરતાં જામનગરના લાલપુરના વ્યકિતના નામે આ બાઇક નોંધાયેલુ જણાયું હોઇ લાલપુર પીએઅસાઇ વાઢેરને આ બાબતે અમે રજૂઆત કરી હતી.

દરમિયાન પુ‌નિત રૂઘાણીના પિતાજી બિપીનભાઇ રૂઘાણીએ જણાવ્યું હતું કે સાગર અને તેના વાઇફ તથા દિકરો-દિકરી રસ પીવા જતાં હતાં અને પુ‌નિત શાંતિથી કાર હંકારતો હતો, કોઇની સામે પણ નહોતી નાંખી છતાં પણ એ બાઇક ચાલકે કાર આંતરી હતી અને 'માથે ગાડી કેમ આવવા દીધી?' એવું ખોટુ આળ મુકી ગાળાગાળી કરી મારામારી કરી ગુંડાગીરી આચરી હતી. અમે આ મામલે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે.

જેમાં મારામારી કરનાર પાસે જીજે૧૦બીએમ-૧૩૪૮ નંબરનું વાહન હોાવનું જણાવાયું છે. કુલ પાંચ શખ્સોએ મારામારી ગાળાગાળી કર્યાનું જણાવાયું છે.

(5:01 pm IST)