Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન, ૩૨૦થી વધુ સ્‍થળે કેમ્‍પ : ભૂપત બોદર

દો ગજ કી દૂરી, માસ્‍ક જરૂરી : રસી અવશ્‍ય મુકાવો

રાજકોટ તા. ૧૨ : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપત બોદરે રાજકોટ જિલ્લામાં કોરોના વિરોધી ટીકાકરણ (રસી) અભિયાન શરૂ કરાયાનું જણાવી પાત્રતા ધરાવતા સૌને અચૂક રસી મૂકાવવા અપીલ કરી છે.

ભૂપત બોદરે જણાવ્‍યું છે કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ દેશમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્‍યો છે તે અનુસાર મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના આહ્‌વાન મુજબ રાજ્‍યમાં તા. ૧૧ થી ૧૪ ટીકા મહોત્‍સવનું આયોજન કરાયેલ છે. રાજકોટ જિલ્લામાં ૩૨૦થી વધુ જગ્‍યાએ કોરોના રસીકરણ કેમ્‍પ યોજાયેલ છે. ૪૫ વર્ષથી ઉપરના લોકો અવશ્‍ય રસી લઇ લ્‍યે અને રસીને લગતી ખોટી વાતોથી દોરવાઇ નહિ તેવી મારી અપીલ છે. સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોના સહયોગની પણ અપેક્ષા છે. સામાન્‍ય લક્ષણો જણાય તો પણ તુરંત ટેસ્‍ટ કરાવવો જોઇએ. બહુ જરૂર વગર લોકોએ બહાર ન નીકળવું જોઇએ. જરૂર મુજબ સ્‍વૈચ્‍છિક લોકડાઉન કે ઓડઇવન પધ્‍ધતિથી ધંધા-રોજગાર કરવા જોઇએ. કોરોના યૌધ્‍ધાઓને સહકાર અપીએ અને કોરોના સાથેની લડત વધુ મજબૂત બનાવીએ તેવી અપીલ છે.

(1:45 pm IST)