Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

બાળકના કપાયેલા માથાની અંતે ધાર્મિકવિધી સાથે સર્વ જ્ઞાતિ સેવા ટ્રસ્ટ દ્વારા માનવક્રાંતિ સ્મશાનમાં દફનવિધી

બી-ડિવીઝન પોલીસની ટીમ પણ સાથે રહીઃ તપાસના ભાગ રૂપે વધુ દિવસ સુધી માથુ કોલ્ડ રૂમમાં રાખી મુકાયુ હતું

રાજકોટઃ પોણા ચાર મહિના પહેલા ૧૮ ડિસેમ્બરના રોજ ભગવતીપરા નજીકથી પસાર થતી આજી નદીના પટમાંથી ખાબોચીયા વચ્ચે ભેખડ પરથી બાળકનું કપાયેલુ માથુ મળી આવ્યું હતું. જે તે વખતે આ બાળકનું મોત માથુ મળ્યું તેના ચાર-પાંચ દિવસ પહેલા જ થયાનું તારણ નીકળ્યું હતું. ફોરેન્સિક પીએમ અને ડીએનએ ટેસ્ટ સહિતની વિધી કરાવવા પોલીસે કાર્યવાહીઓ કરી હતી. પરંતુ આ માથુ કોનું? તેનો ભેદ આજે પણ અકબંધ રહ્યો છે. આ માથુ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં સાચવી રખાયું હતું. પોલીસ અંતિમવિધી કરવાનું ભુલી ગઇ તેવી વાત વહેતી થઇ હતી. પરંતુ પોલીસના કહેવા મુજબ રહસ્ય ઉકેલાયું ન હોઇ તે કારણોસર ગમે ત્યારે જો જરૂર પડે તો શું કરવું? એ હેતુથી માથાને સાચવી રખાયું હતું. પણ હવે અંતે આજે બી-ડિવીઝન પોલીસે ભાવનગર રોડ પર આવેલા માનવ ક્રાંતિ બાળકોના સ્મશાન ખાતે સર્વજ્ઞાતિ સેવા ટ્રસ્ટના સંજયભાઇ હિરાણી મારફત આ માથાની ધાર્મિક વિધી સાથે અંતિમવિધી એટલે કે દફનવિધી કરાવી છે. તસ્વીરમાં માથુ, તેને બોકસ પેટીમાં પેક કરી સ્મશાને લવાયું તે દ્રશ્ય અને છેલ્લે જ્યાં દફનવિધી થઇ તે જોઇ શકાય છે. પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, હંસરાજભાઇ સહિતની ટીમ પણ સંજયભાઇ હિરાણી સાથે દફનવિધીમાં જોડાઇ હતી.

(4:25 pm IST)