Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

હેવી વાહનોના લાયસન્સ માટે બોગસ સર્ટી અને બોગસ લર્નિંગ લાયસન્સ કાઢવાનું કોૈભાંડ ઝડપાયું

શહેર એસઓજીનો આરટીઓ પાસેની માધવ એજન્સીમાં દરોડોઃ અમુક દસ્તાવેજો કબ્જેઃ હિમાંશુ દલવાડીની પુછતાછ

રાજકોટ તા. ૧૨: શહેર એસઓજીની ટીમે ચોક્કસ માહિતીને આધારે આરટીઓ પાસે આવેલી એક ઓફિસ-દૂકાનમાં દરોડો પાડી હેવી વાહનોના લાયસન્સ માટે જરૂરી બોગસ સર્ટિફિકેટ કાઢવાનું તેમજ બોગસ લર્નિંગ લાયસન્સ કાઢવાનું કોૈભાંડ ઝડપી લીધું છે. આ લખાય છે ત્યારે આરટીઓ પાસેની એજન્ટની ઓફિસમાં એસઓજીની કાર્યવાહી ચાલુ છે. કેટલાક દસ્તાવેજો પણ પોલીસને હાથ લાગ્યા છે.

જાણવા મળ્યા મુજબ આરટીઓ પાસે ઓફિસ ધરાવતો હિમાંશુ નામનો શખ્સ પોતાની ઓફિસમાં હેવી મોટર વ્હીકલ્સના લાયસન્સ માટે જરૂરી એવા બોગસ સર્ટિફિકેટ બનાવી આપતો હોવાની તેમજ બોગસ લર્નિંગ લાયસન્સ પણ કાઢી આપતો હોવાની બાતમી મળતાં પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. રાણા અને ટીમે બપોરે અચાનક આ ઓફિસમાં દરોડો પાડી તપાસ શરૂ કરતાં શંકાસ્પદ અને બોગસ હોય તેવા દસ્તાવેજો મળી આવ્યા છે. ટ્રક સહિતના ભારે વાહનો માટે કોઇને લાયસન્સ કઢાવવું હોય તો તે આઠ ધોરણ પાસ હોવા જોઇએ તેવો નિયમ છે. આમ છતાં કોઇ આઠ ધોરણ ભણેલુ ન હોય તો તેના માટે આ શખ્સ મોટી રકમ લઇ ડુપ્લીકેટ સર્ટિફિકેટ કાઢી આપતો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

આ ઉપરાંત આ શખ્સ બોગસ લર્નિંગ લાયસન્સ પણ કાઢી આપતો હોવાનું સામે આવતાં વિશેષ પુછતાછ કરવામાં આવી રહી છે. માધવ એજન્સી નામની આરટીઓ પાસેની ઓફિસમાં દરોડાની કાયવાહી બપોરે ત્રણ વાગ્યે ચાલુ છે. છેલ્લા દોઢ બે વર્ષથી હિમાંશુ નામનો આ શખ્સ ઓફિસ ચલાવે છે. અત્યાર સુધીમાં કેટલા બોગસ સર્ટિ અને બોગસ લર્નિંગ લાયસન્સ કાઢ્યા? બીજુ કોઇ સામેલ છે કે કેમ? તે સહિતની તપાસ થઇ રહી છે. આવતી કાલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ કોૈભાંડ વિશે વધુ વિગતો જાહેર કરશે તેમ જાણવા મળ્યું છે.

(4:18 pm IST)