Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ચાર મહિનાના પ્રેમ બાદ યુવતિએ જાકારો આપતાં સુભાષે ઝેર પીધું

મોબાઇલનું કવર લેવા ગયો ને પ્રેમ થયો, મંદિરમાં લગ્ન કર્યા, સાથે રહવા માંડ્યા પણ... : રણુજા મંદિર પાસે રહેતાં ઝોમાટાનો ડિલીવરીમેન વાળંદ યુવાને મોડી રાત્રે કાલાવડ રોડ પર પગલું ભર્યુઃ યુવતિના ભાઇએ જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો

રાજકોટ તા. ૧૨: રણુજા મંદિર પાસે કવાર્ટરમાં રહેતાં અને ઝોમાટોમાં ડિલીવરીમેન તરીકે કામ કરતાં સુભાષ ઓધવજીભાઇ અઘેરા (ઉ.૨૨) નામના વાળંદ યુવાને રાત્રીના બારેક વાગ્યે કાલાવડ રોડ પર રંગોલી રેસ્ટોરન્ટ પાસે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. એક પુત્રીની માતા એવી ત્યકતા વણિક યુવતિ સાથે પ્રેમપ્રકરણ બાદ યુવતિએ જાકારો દઇ દેતાં પોતે આ પગલુ ભરી ગયાનું તેણે જણાવ્યું હતું.

રાત્રે દોઢેક વાગ્યે સુભાષ અઘેરાને ધર્મેશ જીતેન્દ્રભાઇ શાહ નામના યુવાને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સુભાષે ઝેર પી લીધાનું જણાવતાં તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. સુભાષે જણાવ્યું હતું કે પોતે અપરિણીત છે અને ઝોમેટો ફૂડ ડિલીવરી કંપનીમાં ડિલીવરીમેન તરીકે કામ કરે છે. તેને ચારેક મહિના પહેલા કાલાવડ  રોડ પર પ્રેમ મંદિર પાસે મોબાઇલના કવર, એકસેસરીઝની દુકાન ધરાવતી દર્શિતા નામની વણિક યુવતિ સાથે ઓળખાણ થઇ હતી. આ યુવતિ એક દિકરીની માતા છે અને પતિથી અલગ તેના માતા સાથે રહે છે. પોતે દર્શિતાને મળ્યો ત્યારે જ તેની સાથે પ્રેમ થઇ ગયો હતો. દર્શિતા પણ પ્રેમ કરવા માંડી હતી અને બાદમાં બંનેએ રામનાથપરા પાસે મેલડી માતાજીના મંદિરે લગ્ન કરી લીધા હતાં. દિવસે બંને પોતપોતાના કામે જતાં અને રાત્રે સાથે એક જ ઘરમાં રહેવા માંડ્યા હતાં. સુભાષે વધુમાં જણાવ્યું હતું કે બાદમાં દર્શિતાના પરિવારજનોએ જો લગ્ન રાખવા હોય તો ત્રણ લાખ દર્શિતાના નામે જમા કરાવવા કહ્યું હતું. પરંતુ પોતે આ રકમ જમા કરાવી શકે તેમ નહોતો. દરમિયાન હવે તેણી પરત તેના માવતરે જતી રહેતાં પોતે ગત રાત્રે તેને બોલાવવા જતાં તેણે આવવાની ના પાડી દેતાં માઠુ લાગી જતાં પોતે ઝેર પી ગયો હતો.

સુભાષે એવું પણ કહ્યું હતું કે પોલીસે યુવતિના ભાઇ સહિતની પુછતાછ કરતાં તેણે હું દર્શિતાને ધમકી આપી પરાણે રિલેશન રાખતો હોવાની વાત કરી હતી. હકિકતે તેણે ધમકી આપી નથી. દર્શિતા પણ પોતાને પ્રેમ કરતી હોવાની અને બંનેના ફોટા પણ સાથે હોવાનું તેણે કહ્યું હતું. પોલીસે સુભાષનું નિવેદન નોંધ્યું હતું.

(4:19 pm IST)