Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ગાંધીગ્રામ ધરમનગરમાં પૈસા માટે ત્રાસ ગુજારવામાં આવતાં સંગીતા મરી જવા માટે મજબૂર થઇ હતી

કોળી નવોઢાએ લગ્નના ત્રણ જ માસ બાદ જિંદગી ટૂંકાવી લીધી'તીઃ મોરબી રહેતાં પિતાની ફરિયાદ પરથી પતિ કુલદીપ મેમણીયા, સાસુ ગીતાબેન અને સસરા જયંતિભાઇ સામે ગુનો દાખલ

રાજકોટ તા. ૧૨: ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતી સંગીતા કુલદીપ મેમણીયા (ઉ.૨૩) નામની કોળી પરિણીતાએ તા. ૧૬/૩ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પતિ, સાસુ અને સસરાએ પૈસા માટે ત્રાસ આપતાં તેણી મરી જવા માટે મજબૂર થયાનું જણાતાં તેણીના પિતા મોરબી મહેન્દ્રનગરમાં રહેતાં ચંદુભાઇ ચોથાભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૪૬)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ચંદુભાઇની ફરિયાદ પરથી આપઘાત કરનાર તેની દિકરી સંગીતાના પતિ કુલદીપ જયંતિભાઇ મેમણીયા, સાસુ ગીતાબેન અને સસરા જયંતિભાઇ મેમણીયા સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. ચંદુભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે પોતે ફેબ્રીકેશનની મજૂરી કરે છે અને સંતાનમાં બે દિકરી તથા બે દિકરા છે. જેમાં સંગીતાના લગ્ન તેણીએ આપઘાત કર્યાના ત્રણ મહિના પહેલા જ કુલદીપ સાથે જ્ઞાતિના રિવાજ મુજબ કર્યા હતાં. ૧૬મીએ જમાઇ કલ્પેશે ફોન કરી સંગીતાએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ કરતાં ચંદુભાઇ, તેના પત્નિ નયનાબેન, ભાઇ મધુભાઇ, ઇશ્વરભાઇ, કાળુભાઇ સહિતના લોકો રાજકોટ સરકારી હોસ્પિટલે આવ્યા હતાં ત્યારે દિકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો. જે તે વખતે તેના સાસરિયાએ કોઇ કારણ જણાવ્યું નહોતું.

ચંદુભાઇએ આગળ જણાવ્યું છે કે દિકરી લગ્ન બાદ અમારી ઘરે આવી ત્યારે તેણે પૈસા માંગ્યા હતાં. અમે શા માટે પૈસા જોઇએ છીએ? તે પુછતાં તેણે કહ્યું હતું કે સાસુ-સસરાએ મકાન લીધું હોઇ તેનું દેણું વધી ગયું છે જેથી પૈસા માંગે છે. આ રીતે તે અવાર-નવાર પૈસા માંગતી હતી. થોડા સમય પતિ, સાસુ, સસરાએ અમારી દિકરીને સરખી રીતે રાખી હતી. પણ બાદમાં પૈસા માટે સતત ત્રાસ વધારતાં અંતે તેણે કંટાળીને ૧૬/૩ના રોજ આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી હતી. પી.આઇ. એ.એલ. આચાર્ય, પીએસઆઇ બી. જી. ડાંગર અને ટીમે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

(4:08 pm IST)