Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પર સ્વરૂપમાં લીન હોય તે સંસારી સ્વ સ્વરૂપમાં લીન હોય તે સિધ્ધઃ પૂ.પારસમુનિ મ.સા.

રાજકોટ,તા.૧૨: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સાહેબે આયંબિલ ઓળીના દ્વિતિયદિને જણાવેલ કે જે અનાદિકાળથી સુપરિચિત છે, તેની માંગણી પરમાત્મા પાસે કરવામાં કોઈ સાર નથી. તે મળી જાય, તોય આત્માનું કોઈ હિત નથી અને જેનાથી આત્માનું હિત છે, જેની પ્રાપ્તિથી આત્મા કૃતકૃત્ય બની જવાનો છે, એ આત્માને તદ્ન અપરિચિત છે. એના સ્વરૂપની તેને જાણ જ નથી. વિશ્વમાં ખરેખર પામવા જેવા કોઈ પદાર્થ હોય તો એ છે શુધ્ધ આત્મભાવ પરમાત્મા પાસે માંગવું હોયતો શુધ્ધ આત્માભાવ માંગો. માંગવાનું કહે છે તો માંગુ છુ પ્રભુ ! દઈ દે એવું મન કે માંગે એ કશું નહીં.

હું અજ્ઞ છુ એવી સભાનતા જ્ઞાનની દિશામાં એક મહાન ડગલુ છે. પ્રભુ ! દુનિયાની દ્રષ્ટિમાં હું કદાચ જ્ઞાની હોઈશ. પણ મારી દ્રષ્ટિમાં તો હું ઘોર અજ્ઞાની છું. જેને દુનિયાભરનું જ્ઞાન છે તેને સર્વજ્ઞ કહેવાય છે. જેને ઘણુ બધુ જ્ઞાન છે, તેને જ્ઞાની કહેવાય. જેને થોડુ ઘણુ વ્યવહારનું જ્ઞાન છે, તેને જાણકાર કહેવાય, પણ જેને પોતાનુંય જ્ઞાન નથી, સ્વ સ્વરૂપ નો પણ પરિચય નથી, તેને તો ઘોર અજ્ઞાની જ કહેવાય.

આત્માની કરૂણ કથનીએ છે, કે તેને પરપદાર્થોની જાણવાએ આતુર પણ છે. માત્ર એક જ વિષય એવો છે, કે જેમાં એને કશી જ ગતાગમ નથી. એનું નામ છે 'સ્વ'.

આત્મન્! આજથીને આ આક્ષણથી તું આતુર બની જા 'સ્વ'ને જાણવા માટે. 'સ્વ'ને પામવા માટે અને 'સ્વ'ને અનુભવવા માટે ઘોર અજ્ઞાની મટીને તું જ્ઞાની બની જા. સર્વજ્ઞતા અને સિધ્ધતા તારી તદ્ન સમીપમાં આવી જશે. તારા સર્વ દુઃખો સ્વ-જ્ઞાનના ઉદયની ક્ષણે જ અસ્ત પામી જશે.

(4:06 pm IST)