Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

દિકરાની મજાકને કારણે માતા ગીતાબેન ચોૈહાણને ફાંસો આવ્યો

ગળામાં ટૂવાલ રાખીને બેઠા'તા ત્યારે હાથ ધોઇને આવેલા પુત્રએ ટૂવાલ ખેંચતા બનાવ બન્યો

રાજકોટ તા. ૧૨: ચુનારાવાડ-૧માં રહેતાં ગીતાબેન ભરતભાઇ ચોૈહાણ (ઉ.૪૦) નામના ઓડ મહિલાએ ૧૮ વર્ષના દિકરા વિશાલે કરેલી મજાકને કારણે ગળામાં ફાંસો આવી જતાં સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે થોરાળા પોલીસને જાણ કરી હતી. ગીતાબેનના પતિ હયાત નથી. સંતાનમાં ત્રણ પુત્ર છે. તેઓ ગળામાં ટુવાલ રાખીને બેઠા હતાં ત્યારે પુત્ર વિશાલ જમવા માટે હાથ ધોઇને આવ્યો હતો અને હાથ લુછવા તેણે મજાકમાં જોરથી ટૂવાલ ખેંચતા ગીતાબેન પડી ગયા હતાં અને ટૂવાલથી ગળુ દબાઇ ગયું હતું. પોલીસે તેમનું નિવેદન નોંધ્યું હતું.

શ્રીનાથજીમાં કરણ ભુલથી કેરોસીન પી ગયો

મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો કરણ જગદીશભાઇ ચોૈહાણ (ઉ.૨૧) સાંજે આઠેક વાગ્યે જમવા બેઠો ત્યારે ભુલથી બાજુમાં પડેલી કેરોસીનની બોટલમાંથી પાણી સમજીને ઘુંટડો ભરી જતાં ઉલ્ટીઓ થવા માંડતા સિવિલમાં દાખલ કરાયો હતો. આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.

(4:05 pm IST)