Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જંગલેશ્વરમાંથી ઝડપાયેલા બોગસ તબીબની હાઇકોર્ટમાં જામીન અરજી મંજૂર

રાજકોટ તા. ૧ર :.. અત્રે જંગલેશ્વર મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં. ર માં ચાલતું એલોપેથીક કલીનકમાં બોગસ ડોકટર પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ સ્ટેશનએ ઉકત જગ્યાએ રેડ કરી હતી તેમાં કહેવાતો તબીબ રફીક એઝાઝ લીંગડીયા બોગસ ડીગ્રી ધારણ કરીને એલોપેથીક પ્રેકટીસ કરતાં ઝડપાય ગયો હતો. તેમની પુછપરછમાં તેણે બોગસ ડીગ્રી અમદાવાદ રહેતા ભુપેન્દ્ર સુરજભાણ રાવલ પાસેથી ખરીદી હતી, પોલીસે બન્ને સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ અને અટક કરેલ. આ કામમાં ચાર્જશીટ રજૂ થતાં અરજદારે કોર્ટમાં જામીન અરજી કરતાં જે નામંજૂર થતાં નારાજ થઇ ગુજરાત હાઇકોર્ટમાં જામીન ઉપર છૂટવા અરજી કરેલ હતી. જેને હાઇકોર્ટે મંજૂર કરી હતી.

ગુજરાત હાઇકોર્ટમાં બન્ને પક્ષોની દલીલો સાંભળી વિશેષમાં બચાવ પક્ષનાં વકીલે પોતાની દલીલમાં જણાવેલ કે અરજદાર તા. ૧૯-૧-૧૯ થી હાલ જેલમાં છે, ગુન્હાનાં કામે હવે કોઇ તપાસ કરવાની રહેતી નથી કે કારણ કે ચાર્જશીટ ફાઇલ થઇ ગયું છે, અરજદાર સામે કલમો લાગેલ છે તે સાત વર્ષથી ઓછી સજાની છે અને કેસ હજુ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાયેબલ છે તેમજ જુદી જુદી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટનાં જામીન અરજી અંગેનાં ચુકાદાઓ રજુ કરતાં તમામ ગુણદોષોનો અભ્યાસ કરી નામદાર ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટીસ વી. એમ. પંચોલી એ અરજદારને રૂ. ૧૦,૦૦૦ નાં જામીન મુકત કરવા હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર વતી ગુજરાત હાઇકોર્ટનાં એડવોકેટ શ્રી ઋત્વીજ ઓઝા, ઉમંગ વ્યાસ, રમેશ દાવડા, પુનમ ગોસ્વામી રોકાયેલ હતાં.

(4:00 pm IST)