Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

હોમિયોપેથી કોલેજના એડમિશન પ્રકરણમાં આરોપી ડોકટર બાદીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૧ર : ચકચારી હોમિયોપેથી કોલેજ એડમિશન પ્રકરણમાં આરોપી ડોકટર બાદીની જામીન અરજી અદાલતે મંજૂર કરી હતી.

આ કેસની વિગત મુજબ આરોપી અમિતાબ રમેશચંદ્ર જોશી, બી.એ. ડાંગર કોલેજના પ્રિન્સીપાલ તથા સૌરાષ્ટ્ર યુનિમાં હોમિયોપેથી વિદ્યાશાખાના ડીન તરીકે સેવા આપતા હતાં ત્યારે તેઓએ અન્ય આરોપી જનકભાઇ લાલુભાઇ મેતા, દીપકભાઇ બચુભાઇ ડાંગર તથા યગ્નેશ સતીષચંદ્ર પાઠક સાથે મળી તથા ૪૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરૂ રચી ગુજરાત બહારની અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓના ખોટા માર્કશીટ તથા માઇગ્રેશન સર્ટી તથા સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમિયોપેથી (સી.સી.એચ) ના સર્ટી.ઓ ખોટા બનાવી જે સર્ટી.ઓ ખોટા હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ઉપયોગમાં લઇ સૌરાષ્ટ્ર યુનિ.માં એડમિશન લઇ તેમજ બોગસ માર્કશીટ ખરી છે તેની તપાસ કરવાની જરૂર નથી તેવા ખોટા ઇ-મેલ કરી એકબીજાની મદદગારી કરી આઇ.પી.સી.ની કલમ ૪૬૩, ૪૬૪, ૪૬પ, ૪૬૭, ૪૭૧, ૪ર૦, ૧ર૦ (બી) ૪૦૯ તેમજ આઇ.ટી. એકટની કલમ ૬૬ (ડી) હેઠળ ગંભીર ગુનો કરેલ હોવાના નિષ્કર્ષ ઉપર પોલીસ આવેલ તેમજ આશરે ૪૪ જેટલા લોકો વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

આ સામે આરોપી ગુલામમયૂદ્દીન બાદી કે જેને વર્ષો સુધી હોમિયોપેથીક ડોકટર તરીકે પ્રકટીસ કરેલ છે અને ગુજરાત કાઉન્સીલમાંથી સર્ટી પણ મેળવેલ છે. તેઓનું ખુદનું માર્કશીટ તેમજ પ્રોવિઝનલ સર્ટી ખોટું હોવાનું પોલીસ તપાસમાં ખૂલેલ હતું. આરોપી વિરૂદ્ધ આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો હોય પોલીસે પાંચ દિવસની રીમાન્ડના અંતે આરોપીને જેલ હવાલે કરેલ.

જેલ હવાલે રહેલ આરોપી ગુલામમયૂદ્દીન બાદીએ પોતાના વકીલ મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન ઉપર છૂટવા માટે અરજી કરેલી જેમાં ઉભયપક્ષોની રજૂઆતો, પોલીસના કાગળો, કાયદા વિષયક રજુઆતો વિગેરે જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી વતી રાજકોટના વકીલ શ્રી રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી. જાડેજા, શિવરાજસિંહ ઝાલા, હનીફભાઇ કટારીયા તથા દીપક ભાટીયા રોકાયેલ હતાં.

(4:00 pm IST)