Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

આજથી ૧ર હજારના ચૂંટણી સ્ટાફનું પોસ્ટલ બેલેટથી મતદાન

૬૯-રાજકોટમાં વીરાણી ખાતે મતદાન થયું: કાલથી ૬૮-૭૦-૭૧-૭ર-૬૬-૬૭નું તબક્કાવાર મતદાન અને આખરી તાલીમ : મતદાન જાગૃતી અંગે કાત્યાની એકસપ્રેસમાં સ્પે. કોચ સાંજે રાજકોટમાં: કલેકટર-ડીઆરએમ એડી.કલેકટર લીલીઝંડી આપશે : ચૂંટણી અંગે રપ૪ માઇક્રો ઓબ્ઝર્વર મુકાયા : આ વખતે ૭ર કલાક પહેલા સ્પે. પેટ્રોલીંગ કરશેઃ તમામનું ખાસ રેન્ડેમાઇઝેશન કરતા કલેકટર

આજથી રાજકોટ લોકસભા બેઠકમાં રોકાયેલ ૧ર હજારના સ્ટાફનું તબક્કાવાર પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. આજે ૬૯ રાજકોટ વિધાનસભા વિસ્તારના સ્ટાફનું વિરાણી હાઇસ્કુલ ખાતે મતદાન યોજાયું તે નજરે પડે છે. બપોરે ર સુધીમાં ૬પ૦માંથી  ૩૦૦ થી વધુ મતો પડયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૨: ચુંટણી પંચની સુચના બાદ કલેકટરના આદેશથી આજથી  રાજકોટ લોકસભા બેઠકની ચુંટણીમાં રોકાયેલ અંદાજે ૧ર હજારના ચુંટણી સ્ટાફનું  પોસ્ટલ બેલેટથી મતદાન લેવાનું શરૂ કરી દેવાયું છે. કલેકટરની સુચના બાદ દરેક મદદનીશ એઆરઓ દ્વારા પોતાના વિસ્તારમાં આવતા સ્ટાફનું મતદાન લેવાનો અને આજથી બીજી ફાઇનલ તાલીમનો પ્રારંભ પણ કરાયો છે.

આજે ૬૯-રાજકોટ વિસ્તારનું વિરાણી હાઇસ્કુલ ખાતે મતદાન થયું હતું. બપોરે ર સુધીમાં કુલ ૬પ૪ ને તાલીમ અપાયા બાદ ૩૦૦ થી વધુ કર્મચારીઓએ મતદાન કરી લીધું હતું.

કાલથી ૬૬-૬૭-૬૮-૭૦-૭૧-૭ર વિધાનસભા મત વિસ્તારના ચુંટણી સ્ટાફની તાલીમ અને પોસ્ટલ બેલેટથી મતદાન કરી લેવાશે.

દરમિયાન મતદાન જાગૃતી અંગે સ્વીપ દ્વારા અનેક કાર્યક્રમો યોજાઇ રહયા છે. આજે સાંજે ૪.૪પ કલાકે રાજકોટ આવતી  કાત્યાની એકસપ્રેસમાં એક સ્પે. કોચ મતદાન જાગૃતી અંગે આવશે. જેને કલેકટર ડો. રાહુલ ગુપ્તા-રેલ્વેના ડીવીઝનલ મેનેજર તથા એડી. કલેકટર શ્રી પરીમલ પંડયા લીલીઝંડી આપી વિદાય આપશે. તે પહેલા ઉપસ્થિત મુસાફરો-લોકો-યુવા મતદારોને મતદાર જાગૃતી અંગે વિશેષ માર્ગદર્શન અપાશે. તથા ત્યાર બાદ રપ દિવ્યાંગો દ્વારા મતદાર જાગૃતી થીમ ઉપર અદભુત કાર્યક્રમ યોજાશે.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરે નિમણુંક આપેલા રપ૪ માઇક્રો ઓર્બ્ઝવરનું પણ ખાસ રેન્ડેમાઇઝેશન કરી લેવાયું છે. તે લોકોને રૂટ સોંપી દેવાયા છે અને આ વખતે પ્રથમ વખત આ તમામ માઇક્રો ઓબર્ઝવરને ચુંટણીના ૭ર કલાક અગાઉ સોંપેલા વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરી દેવા પણ આદેશો કરાયા છે.

(3:57 pm IST)