Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ડીજીટલ જમાનો

આંગળીના વેઢે મિલ્કત વેરો ભરનારા વધ્યાઃ ૭ લાખ લોકોએ ઓનલાઇન ડિસ્કાઉન્ટ મેળવ્યુ

ઓનલાઇનથી ૨.૫૧ કરોડ તંત્રની તીજોરીમાં ઠલવાયાઃ ગત વર્ષ કરતા ૪૦ ટકા લોકોએ ઘર બેઠા વેરો ભર્યો

રાજકોટ, તા.૧૨: મ્યુ. કોર્પોરેશન દ્વારા નવા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રથમ બે મહિના અને ત્યાર બાદ એક મહિનો એમ કુલ ત્રણ મહિના સુધી મિલ્કત વેરામાં ૧૦ થી ૧૫ ટકા અને  ૫ થી ૧૦ ટકા ડિસ્કાઉન્ટની યોજનાનો તા. ૯ એપ્રિલે મંગળવારથી શરૂ થતા મ્યુ.કોર્પોરેશનની તિજોરીમાં કુલ ૧૮ હજાર પ્રમાણિક કરદાતાઓએ રૂ.૭.૮ કરોડ મિલ્કત વેરો ભર્યો છે. જેમાં ૭ હજાર કરદાતાઓએ  ઓન લાઇન વેરો ભરી વધુ રૂ.૫૦નું ડિસ્કાઉન્ટ મેળવ્યુ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં વેરા શાખાનાં સુત્રો માંથી મળતી માહિતી મુજબ તા. ૯મીએ એપ્રિલે મંગળવારથી એડવાન્સ ટેકસ ભરનાર નાગરિકોને ડિસ્કાઉન્ટ આપવાની યોજના અમલી બનાવવા આવી છે ત્યારે આજ દિન સુધી એટલે કે તા.૧૨ સુધીમાં કુલ ૧૮,૩૭૨ કરદાતાઓએ રૂ.૭.૮ કરોડ મિલ્કત વેરા પેટે ભર્યા છે.જેમાં ૭ હજાર કરદાતાઓએ રૂ.૨.૫૧ કરોડ ભર્યા છે. ઓનલાઇન વેરો ભેરનાર કરદાતાઓને રૂ.૫૦ વધારાનું ડિસ્કાઉન્ટ નો લાભ મળે છે. ગત વર્ષ ૨૦૧૮-૨૦૧૯ કરતા આ વર્ષે ઓનલાઇન વેરો ભરનાર કરદાતાની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થયેલ છે. અત્રે નોંધનીય છે કે, ૩૧ મે સુધી પુરૂષ કરદાતાઓને તેઓના કુલ ટેકસની રકમ ઉપર ૧૦ ટકા તથા મહિલા કરદાતાઓને ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ત્યાર બાદ જૂનમાં ૧ થી ૩૦ જૂન સુધી પુરૂષોને ૫ ટકા અને મહિલાઓને ૧૦ ટકા વળતર એડવાન્સ ટેકસ ઉપર આપવામાં આવશે. આ ઉપરાંત જે કરદાતાઓ ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના માધ્યમથી પોતાનો આગોતરો મકાન વેરો ભરી દેશે તેઓને ઉપરોકત ડિસ્કાઉન્ટ ઉપરાંત વધારાનો એક ટકો ડિસ્કાઉન્ટ અપાશે જેમાં ઓછામાં ઓછું ૫૦ રૂ. તથા વધુમાં વધુ ૨૫૦ રૂ.નું ડિસ્કાઉન્ટ અપાશે.

(3:55 pm IST)