Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કુવાડવા રોડ પર ચૂંટણી સ્કવોડના ઓફિસરની ફરજમાં રૂકાવટઃ ત્રણ ભરવાડ શખ્સની ધરપકડ

૮મીએ ૮ લાખની રોકડ સાથે સ્કોર્પિયો અટકાવાઇ ત્યારે પેટ્રોલ પંપ સંચાલક રાજકોટનો વિરમ ભરવાડ અને ગુંદાળાના જગદીશ તથા નારણ ભરવાડ ભાગી ગયા'તાઃ ગુનો નોંધી બી-ડિવીઝન પોલીસની ત્વરીત કાર્યવાહી

રાજકોટ તા. ૧૨: ચાર દિવસ પહેલા કુવાડવા રોડ જુના પોલીસ સ્ટેશન પાસે ચૂંટણી અંતર્ગત ચેકીંગ માટેની સ્કવોડ વાહન ચેકીંગમાં હતી ત્યારે નોડલ રાજકોટ પૂર્વના ઇન્ચાર્જ નોડલ ઓફિસરે એક સ્કોર્પિયો અટકાવતાં તેમાં ૮ લાખની રોકડ મળતાં કાર્યવાહી શરૂ કરતાં ત્રણેય જણાં ફરજમાં રૂકાવટ કરી રોકડના થેલા સાથે ભાગી ગયા હતાં. આ મામલે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાવવામાં આવતાં બી-ડિવીઝન પોલીસે ત્રણ ભરવાડ શખ્સોની ધરપકડ કરી છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ પુષ્કર ધામ પાસે ક્રિષ્ના પાર્ક-૫ બ્લોક નં. ૨૩૫માં રહેતાં અને સિંચાઇ ખાતામાં સિનિયર કલાર્ક તરીકે નોકરી કરતાં રત્નાભાઇ રવજીભાઇ વરસાણી (પટેલ) (ઉ.૫૬)ની ફરિયાદ પરથી કુવાડવા રોડ સરદાર પટેલ કોલોની-૨ શેરી નં. ૩માં રહેતાં વિરમ ગેલાભાઇ ગમારા, ગુંદાળા ગામના જગદીશ રતાભાઇ ગમારા અને ગુંદાળાના જ નારણ વેલાભાઇ ગમારા સામે આઇપીસી ૧૮૬, ૧૧૪ મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે.

રત્નાભાઇ વરસાણીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હાલમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત મને એસએસટી સ્કવોડ-૨ ૬૮ (પૂર્વ રાજકોટ)ના ઇન્ચાર્જ નોડલ ઓફિસર તરીકે કામગીરી સોંપાઇ છે. ૮/૪ના રોજ સવારે ૮ થી સાંજના ૮ સુધીની મારી નોકરી હોઇ મારી સાથે હેડકોન્સ. રમેશભાઇ ખુમાણ, લોકરક્ષક મિતેશભાઇ આડેસરા, મહેન્દ્રભાઇ પરમાર, વિડીયોગ્રાફર હરેશભાઇ ગોંડલીયા અને ગાડી નં. જીજે૧૮જીબી-૧૪૨૯માં ડ્રાઇવર તરીકે અશ્વિનભાઇ પરમાર હતાં. બપોરપછી અમે કુવાડવા રોડ પર જુના પોલીસ સ્ટેશન પાસે વાહન ચેકીંગમાં હતાં ત્યારે જીજે૩જેએલ-૫૬૩૪ નંબરની સિલ્વર કરલરની સ્કોર્પિયો આવતાં તેને ચેકીંગ માટે અટકાવી હતી.

ગાડીમાં તપાસ કરતાં એક રોકડ રકમ ભરેલો થેલો જોવા મળતાં ગાડી ચાલકનું નામ પુછતાં પોતે વિરમ ગેલાભાઇ ગમારા હોવાનું અને સરદારનગર કુવાડવા રોડ જણાવ્યું હતું. ગાડીમાં બીજા બે શખ્સો હતાં તેણે પોતે ગુંદાળાના જગદશી રતાભાઇ ગમારા અને નારણ વેલાભાઇ ગમારા હોવાનું કહ્યું હતું. થેલામાં ૮ લાખની રોકડ હોવાથી પંચનામાની કાર્યવાહી ચાલુ કરી હતી. આ વખતે વિરમ ગમારાએ આ રકમ બેંકમાં જમા કરાવવાની છે અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ એલાઇડ ઇન્ડસ્ટ્રીયલ એજન્સી નામના  પેટ્રોલ પંપની છે તેવું કહ્યું હતું. તેમજ પોતે આ રકમ જમા ન કરાવે તો પેન્ટલી મંગાશે તેવી વાત કરી હતી. તેમ કહી ત્રણેય જણા ગાડીમાં રોકડનો થેલા રાખી જતાં રહ્યા હતાં.

આથી મેં મારી સાથેના પોલીસ સ્ટાફના કર્મચારીઓને જાણ કરી હતી. જેથી પોલીસ કર્મચારીઓ ગાડી લઇ પાછળ ગયા હતાં. હું અને વિડીયોગ્રાફર સ્થળ પર જ રોકાયા હતાં. પરંતુ ત્રણેય જણા ભાગી ગયા હતાં. જે તે વખતે ફરજમાં રૂકાવટ કરી હોઇ હવે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ એન. જે. જાડેજાએ આ અંગે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સો વાંકાનેર બાઉન્ડ્રી પાસે અને કુવાડવા રોડ પર પેટ્રોલ પંપ છે.

(11:59 am IST)