Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

શુક્રવારે કોર્પોરેશનનું ખાસ બોર્ડઃ કાર્પેટ વેરાના ઓઠા તળે જમીનની ત્રણ દરખાસ્તો

આરોગ્ય કેન્દ્ર - આવાસ યોજના - શોપીંગ સેન્ટરની અનામત જમીનો અંગે ખાસ બોર્ડમાં દરખાસ્તઃ કલાર્કની ભરતીનાં નિયમો અને કાર્પેટ વેરાનાં નિયમો- દર મંજૂર કરવા સહિત ૧૧ દરખાસ્તોનો નિર્ણય લેવાશે

રાજકોટ તા. ૧ર :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા મકાન વેરાની આકારણીમાં ઐતિહાસીક ફેરફારો કરી અને હવે 'બિલ્ટ અપ'ને બદલે 'કાર્પેટ' મુજબ મકાનવેરા આકારવા માટે નવા નિયમો અને દર સુચવ્યા છે. જેનો ૧ લી એપ્રિલથી અમલ શરૂ કરવો હોય તો યુધ્ધનાં ધોરણે બોર્ડમાં મંજૂર કરીને સરકારમાં મોકલવા પડે. આથી જનરલ બોર્ડ માટે રાહ જોવી અશકય હોઇ કાર્પેટ વેરા માટે ખાસ બોર્ડ બોલાવવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ આ ખાસ બોર્ડમાં જમીન હેતુ ફેરને લગતી ત્રણ - ત્રણ દરખાસ્તોનો પણ ઉતાવળે એજન્ડામાં સમાવેશ થઇ જતાં અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

ખાસ બોર્ડનાં આ એજન્ડામાં જમીન સબંધી જે દરખાસ્તો છે તેમાં ટી. પી. સ્કીમ નં. ૮ (રાજકોટ)નાં અંતમ ખંડને ર૧૯ નો 'શોપીંગ સેન્ટર' હેતુનાં અનામત પ્લોટ પૈકી ૧૧૯૩-ચો. મી. જગ્યામાં 'લાયબ્રેરી' બનાવવા હેતુ ફેર કરવા ત્થા ટી. પી. સ્કીમ નં. (૮) (રાજકોટ) નાં અંતિમ ખંડને ૧ર૪૩ ની આરોગ્ય કેન્દ્રની જમીન અંગે કમિશ્નરશ્રીનાં પત્ર મુજબ નિર્ણય લેવા અને સરકારની મંજૂરીમાં રહેલી રૈયા ટી. પી. સ્કીમ નં. રર ના અંતિમ ખંડ નં. ૬૪/સીને 'આવાસ યોજના' માટે હેતુ ફેર કરવા અંગેની દરખાસ્તો છે.

આ ઉપરાંત કાર્પેટ વેરા આકારણીનાં નિયમો-દર મંજૂર કરવા અરવિંદભાઇ મણીયાર લાયબ્રેરીમાં સભ્ય તરીકે કોર્પોરેટરની નિમણુંક કરવા, ત્થા સિનીયર કલાર્ક, હેડ કલાર્કની ભરતીનાં નિયમો નકકી કરવા સહિત ૧પ દરખાસ્તો  અંગે નિર્ણય લેવાશે. (પ-૧૯)

(3:33 pm IST)