Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

વ્યાજખોરીના ગુનામાં છૂટેલા કુંભાર પ્રોૈઢને ધમકી મળતાં ઝેર પી લીધું

મનીલેન્ડની ફરિયાદ કરનારે ધમકી આપ્યાનું હરસુખભાઇ ટાંકનું કથન

રાજકોટ તા. ૧૨: મવડી પ્લોટ લાભદીપ સોસાયટી-૩માં ખોડિયાર કોમ્પલેક્ષ પાછળ રહેતાં અને મવડીમાં આવેલી શ્રીબાઇ માતાજીની જગ્યામાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હરસુખભાઇ વીરજીભાઇ ટાંક (ઉ.૫૫) નામના કડીયા કુંભાર પ્રોૈઢે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં આશીર્વાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

બનાવ અંગે તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવતાં એએસઆઇ ખાંભલાએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી. હરસુખભાઇને એક દિકરો અને એક દિકરી છે. તેના કહેવા મુજબ તેણે અગાઉ ભરતભાઇ સિતાપરાને પચાસ હજાર રૂપિયા હાથ ઉછીના આપ્યા હતાં. પણ ભરતભાઇએ લોકદરબારમાં ખોટી રજૂઆત કરતાં પોતાના વિરૂધ્ધ મની લેન્ડ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોતે દસ દિવસ જેલહવાલે થયેલ. હવે છૂટીને બહાર આવતાં ભરતભાઇએ ફરીથી પૈસા માંગી જો નહિ આપો તો ફરી ખોટી ફરિયાદ કરીશ તેમ કહી ધમકી આપતાં પોતે ગભરાઇ જતાં ઝેરી દવા પી લીધી હતી. હોસ્પિટલમાં દાખલ હરસુખભાઇ જોઇ શકાય છે.

(3:28 pm IST)