Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

આમ્રપાલી ફાટકે બનશે અંડરબ્રીજ

દૈનિક હજારો લોકોની યાતનાનો તથા ટ્રાફીકની સમસ્યાનો હવે આવશે અંત : રેલ્વેને ૨૨ કરોડ આપવા સ્ટે. કમીટીની લીલીઝંડીઃ કિસાનપરા ચોકથી આમ્રપાલી પાર્ટી પ્લોટ સુધીની લંબાઇનો બનશે બ્રીજ

રાજકોટ, તા., ૧રઃ શહેરની ટ્રાફીક સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોનો સમય વ્યય ના થાય તે માટે કોર્પોરેશન દ્વારા અન્ડર-ઓવરબ્રીજ બનાવવામાં આવી રહયા છે. ત્યારે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે અન્ડરબ્રીજ બનાવવા રેલ્વે તંત્રને રૂ. રર.૬૧ કરોડ ચુકવવા આજની સ્ટેન્ડીંગ કમીટીએ લીલીઝંડી આપી છે. આ બ્રીજ બનવાની દૈનિક હજારો લોકોની યાતનાનો અંત આવશે તેમ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે કિશાનપરા ચોક (કેન્સર હોસ્પીટલ સાઇડ તરફ)ની આમ્રપાલી પાર્ટી પ્લોટ સુધી ૩૩૦ મીટરની લંબાઇનો અન્ડરબ્રીજ બનાવવામાં આવશે. આ બ્રીજ બનવામાં કોઇ ખાનગી મિલ્કત કપાતમાં આવશે નહી.

વધુમાં શ્રી કાનગડે જણાવ્યંુ હતું કે, આ બ્રીજની કાર્યવાહી રેલવેતંત્ર દ્વારા કરવામાં આવશે. આ કામ માટે રેલ તંત્રને રૂ. રર.૧ કરોડની ડીપોઝીટ ચુકવવા આજની સ્ટેન્ડીંગમાં મંજુર કરવામાં આવ્યું છે.

આ બ્રીજની ટેકનીકલ માહીતી આપતા જણાવ્યું હતું કે, આ બ્રીજ કુલ ૩૩૦ મીટરની લંબાઇનો બ્રીજ બનશે. કિશાનપરા ચોકની આમ્રપાલી ફાટક સુધી ૧પ૦.૭પ મીટર લંબાઇનો બ્રીજ બનશે. ૧.રપ સ્લેબ બનાવાશે. જયારે આમ્રપાલી ફાટકથી પાર્ટી પ્લોટ સુધી ૧૮૦ રનીંગ મીટર લંબાઇ તથા ૧.૩૦ સ્લેઝનો બ્રીજ બનશે. બન્ને સાઇડ ૬.૬ મીટર લંબાઇ અને ૪.પ મીટર પહોળાઇના બોગદા બનાવાશે. તેમજ આજુબાજુના વિસ્તારવાસીઓને આવન-જાવન માટે ૪-પ-૪-પ  મીટરના સર્વિસ રોડ બનાવાશે.

અંતમાં જણાવ્યું હતું કે આ બ્રીજની કોઇ ખાનગી મિલ્કત કપાત થશે નહી. જિલ્લા લાયબ્રેરીની ૬.રર મીટર દિવાલ તથા રેસકોર્ષનો પ૬૩ સ્કે. ફુટ ભાગ કપાત થશે. હાલમાં આમ્રપાલી ફાટક દિવસમાં ૧૮ થી ર૦ વખત ખોલ-બંધ થાય છે.  દૈનિક હજારો લોકોની યાતનાનો અંત આવશે.

(3:06 pm IST)