Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

કાલે રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવો રેલી

હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી, કનૈયાકુમાર, પ્રવિણ રામ, ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતીમાં

રાજકોટ તા. ૧૨ : કાલે રાજકોટમાં સંવિધાન બચાવો રેલીનું આયોજન ટીમ ઇન્દ્રનીલ ફોર યુ અને રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા કરાયુ છે.

ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી રેલીનો પ્રારંભ થશે. ત્યાંથી જ્યુબેલી ચોકમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરાશે. ત્યાંથી નહેરૂજીની પ્રતિમાને ફુલહાર કરી સદર થઈ બહુમાળી ભવન ચોકમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાએ આ રેલીનું સમાપન થશે. બહુમાળી ભવનના સામેના રેસકોર્ષના મેદાનમાં જાહેરસભાના રૂપમાં ફેરવાશે.

દરમિયાન ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ યાદીમાં જણાવેલ છે કે લોકશાહી પર જોખમ ઉભુ થયુ છે. નાગરીકોના કોઇ વર્ગને અન્યાય થાય તો વાચા આપવાનું  કામ લોકશાહીનું હોય છે. હવે જો લોકશાહી જ સુરક્ષિત ન હોય તો શું કરવાનું? મુઠ્ઠીભર વ્યકિતઓ આજે બંધારણ માટે ખતરા સમાન બની ગયા છે. માટે લોકોને જાગૃત કરવા અમે આ સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરેલ છે.

જાતિ, જ્ઞાતિ, પેટા જ્ઞાતિના ભાગલા રાજકારણીઓ પડાવી રહ્યા છે. આપણા દેશના શહીદોએ જે શહીદી વહોરી તે બંધારણને અસ્તિત્વમાં લાવવા માટેની હતી. પણ અવે દેશની દશા અને દિશા બદલાઇ ન જાય તે માટે સંવિધાન બચાવવુ જરૂરી બન્યુ છે. ત્યારે આ ચળવળમાં સૌ કોઇએ જોડાવા પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ અનુરોધ કરેલ છે.

(3:05 pm IST)