Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

બેડી રોડ પર ટ્રક ચાલકને ઝાપટો મારી ૧૧ હજારની લૂંટઃ લૂંટારાના ફૂટેજ મળતાં શોધખોળ

વાપીના ટ્રકચાલક જમશેદ ખાનનો ટ્રક બાઇકથી આંતરી બે લૂંટારા કેબીનમાં ચડી ગયા અને ધમકી દઇ, લાફા મારી લૂંટ કરી ભાગી ગયા

રાજકોટ તા. ૧૨: થોડા દિવસ પહેલા મોરબી રોડ બાયપાસ રોણકીના પાટીયે રાત્રે બુકાનીધારી લૂંટારૂઓએ એક ટ્રક અને ટેન્કરના ટાયરોમાં પંચર પાડી ડ્રાઇવર-કલીનરને ધોકાવી રોકડની લૂંટ ચલાવ્યાની ઘટના બની હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. ત્યાં ગત સાંજે સવા ચારેક વાગ્યે બેડી ચોકડીથી આગળ અમદાવાદ હાઇ વે પર બાઇક પર આવેલા ૨૫ થી ૩૦ વર્ષના બે શખ્સે એક ટ્રક ઉભો રખાવી તેના ચાલકને ગાળો દઇ ઝાપટ મારી રોકડ, એટીએમ કાર્ડ, ઓરિજીનલ લાયસન્સ, આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, ડિઝલ કાર્ડ સહિતની ચીજવસ્તુની લૂંટ ચલાવતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે. બંને લૂંટારાના સીસીટીવી ફૂટેજ મળ્યા હોઇ તેના આધારે તપાસ થઇ રહી છે.

બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક મુળ યુ.પી.ના ગાઝીપુરના જમાનીયા તાબેના મહમદપુર ગામના અને હાલ વાપી બસ સ્ટેશન પાસે  ઝંડા ચોકમાં રહેતાં ટ્રક નં. એચઆર૬૧એ-૩૨૩૦ના ચાલક જમશેદ રફીઉલ્લાહ ખાન (પઠાણ) (ઉ.૨૬)ની ફરિયાદ પરથી બાઇક પર આવેલા બે શખ્સ સામે આઇપીસી ૩૯૨, ૫૦૪, ૩૨૩, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જમશેદના કહેવા મુજબ પોતે રણવીરસિંહનો ટ્રક હંકારે છે. તા. ૮ના રોજ પોતે ટ્રકમાં ફ્રીઝના ચાલીસ મશીન ભરીને તલાસમી ગામથી નીકળ્યો હતો. ૧૦મીએ રવિવાર હોઇ કુવાડવા રોડ આઇઓસી પાસે હોલ્ટ થઇ ગયો હતો અને ગઇકાલે બજરંગવાડી પાસે પહોંચી પેંગ્વીનના શો રૂમમાં મશીન ઉતાર્યા હતાં. સાંજે પોણા ચારેક વાગ્યે ત્યાંથી નીકળી માધાપરથી બેડી ચોકડી થઇ અમદાવાદ જવા રવાના થયો ત્યારે બાઇક પર બે શખ્સ આવ્યા હતાં અને ટ્રક આડે નાંખી ટ્રક ઉભો રખાવ્યો હતો. બાદમાં બંને ટ્રકમાં ચડી ગયા હતાં અને ખાના ચેક કરવા માંડ્યા હતાં.

જમશેદે આ શું કરો છો? તેમ પુછતાં બંનેએ 'કંઇ બોલીશ તો મારી નાંખશું' કહી ઝાપટો મારી રૂ. ૧૧ હજાર રોકડા તથા એટીએમ, ડ્રાઇવીંગ લાયસન્સ, ડિઝલ કાર્ડ, આધાર કાર્ડ સહિતની ચીજવસ્તુ લૂંટીને ભાગી ગયા હતાં. બી-ડિવીઝન પી.આઇ. એમ.આર. પરમારની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, સુધાબેન, કે.આર. ચોટલીયા, વિરમભાઇ ધગલ, મનોજભાઇ, એભલભાઇ સહિતની ટીમે ઘટના સ્થળે દોડધામ કરી હતી. પોલીસને લૂંટારૂના સીસીટીવી ફૂટેજ મળતાં તેના આધારે તપાસ શરૂ થઇ છે. એક લૂંટારૂએ લાલ રંગનું જાકીટ તથા બીજાએ બ્લુ રંગનું જાકીટ પહેર્યુ હતું. બંનેએ જીન્સ પેન્ટ પહેરેલા હતાં. (૧૪.૬)

 

(10:16 am IST)
  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST

  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST